Surat News: સુરત શહેરમાં 19 વર્ષીય મોડેલએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક મોડલ ચાર દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી અને અહીં તેના સંબંધીઓની ત્રણ બહેનપણીઓ સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી.
સારોલીમાં રહેતી 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે (Sukhpreet Kaur) ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડેલએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. સુખપ્રીત કૌર મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી હતી. ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. મોડી સાંજે તેના રૂમમાં તેનો મૃતદેહ પંખાથી લટકતો મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોચી પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચારેક દિવસ પહેલા જ આવી હતી. મૃતક સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.
મૂળ મધ્ય પ્રદેશમાં શિવપુરીની વતની અને હાલ સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે.