વડોદરાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન એક કાર્યક્રમમાં હોબાળો થયો હતો. મુખ્ય પ્રધાન કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માગીએ છીએ, કોઇ મળવા દેતું નથી. જે બાદ મુખ્ય પ્રધાને કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો, મને મળીને જ જજો. સોમવારે આવી જા, આજે પણ હું મળીશ. મારે લખેલું તૈયાર હોય છે છતાં આજે મારે એમને એમ બોલવાનું થઈ ગયું. પહેલાંનો અને હાલનો વિકાસ ચેક કરી લો. આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક બે મહિલા ઊભી થઇને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન.. તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો.’
આ કાર્યક્રમમાં હાજર પોલીસકર્મીઓએ સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની આ મહિલાઓને બેસાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ રજૂઆત કરતી રહી હતી. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં જ બંને મહિલાઓએ ન્યાયની માંગણી કરી હતી. તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઊભા થઈને કહ્યું હતું કે, ‘અમે તમને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઇ મળવા દેતું નથી.’
મુખ્યમંત્રીનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.