Surendranagar News : દસાડા (Dasada) તાલુકાના વડગામમાં ચાર મહિના પહેલા શાંતાબેન ડોડીયા નામના વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા (Loot with Murder) ની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના મોટા દિકરાના સાળાની એ જ આ હત્યાને અંજામ આપ્યો હતો. એકલા રહેતા વૃધ્ધાના ઘરમાં આરોપી ચોરી કરવા ઘૂસતાં વૃધ્ધા તેને જોઈ ગયા હતાં. વૃધ્ધા બધાને કહી દેશે તો પોતાની કરતૂતનો ભાંડો ફૂટી જશે તે ડરે ગળું દબાવીને વૃધ્ધાની હત્યા કરી હતી.
એલીસીબી પોલીસે આરોપીની આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાંથી ઝડપી રૂ. 2,71,000ના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે.
શું છે ઘટના?
પાટડીના વડગામમાં ગત 28 ડિસેમ્બર 2024ના રોજ 71 વર્ષીય શાંતાબેન શંકરભાઈ ડોડીયાની તેમના જ ઘરમાં હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં તેમના કાન કાપી કાનમાં પહેરેલ સોનાની કાડીઓ, વારીયા, સોનાની બંગડી સહિતના દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છુટ્યા હતા. બીજા દિવસે મૃતકના પુત્રવધુ મહિલાને ચા આપવા આવ્યા ત્યારે ઘટનાની જાણ થઇ હતી. આ અંગે દસાડા પોલીસને જાણ કરી હતી.
કંઈ રીતે પકડાયો આરોપી?
ઘટનાની માહિતી આપતા ધાંગધ્રા ડિવિઝન Dy.SP જે.ડી. પુરોહિતએ જણાવ્યું કે, લૂંટ વિથ મર્ડરના આ કેસને ડિટેક્ટ કરવા SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સ તથા જગ્યાના આજુબાજુના CCTV કેમેરા ચેક કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, લૂંટ વિથ મર્ડરના ગુનામાં સામેલ આરોપી વડગામ ખાતેથી ઘટનાને અંજામ આપી મુદ્દામાલ સાથે પોતાના વતન આણંદ જિલ્લા ખાતે છુપાયેલો છે. જે બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતે ગુનો આચાર્યો હોવાની કબુલાત આપી છે.
આરોપી મોટા દીકરાનો સગો સાળો
આ કેસમાં હાલ જે આરોપી પકડાયો છે તે મૃતક શાંતાબેનના મોટા દીકરા ભગીરથનો સગો સાળો સતીશ હોવાનું સામે આવ્યું છે. આરોપી કંઈ ખાસ કમાતો ન હતો. આ બનાવના એક અઠવાડિયા પૂર્વે જ આરોપી સતીશની પત્ની રિસામણે પોતાના પિયર જતી રહી હતી. જેથી હંમેશાની જેમ સતીશ પોતાની બહેનના ઘરે વડગામ ખાતે આવ્યો હતો. જોકે તે પોતે ખાસ કમાતો ન હતો, જેથી તેને પોતાની બહેનના ઘરે જ નજર બગાડી હતી.
રીસામણે ગયેલી પત્નીને મનાવવા લૂંટની યોજના બનાવી
રીસામણે ગયેલી પોતાની પત્નીને ઘરેણાં, કપડાં અને વસ્તુઓ અપાવી મનાવી લેવા પૈસાની જરૂર હતી. તેના માટે વૃધ્ધાને નિશાન બનાવીને પ્લાનને અંજામ આપ્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. સતિષના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતાં. પરંતુ તેની પત્ની રીસામણે ગઇ હતી. બનાવના 4 દિવસ પહેલા તે વડગામ આવ્યો હતો. શાંતાબેન બાજુની રૂમમાં એકલા રહેતાં હોવાની તેને ખબર હતી. તેમણે પહેરેલાં ઘરેણાં જોઈ તેની ચોરી કરવા વહેલી સવારે ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ શાંતાબેન તેને જોઈ ગયા હતાં. આથી હવે પોતાનો ભાંડો ફૂટી જશે તેમ વિચારી વૃધ્ધાનું ગળું દબાવી હત્યા કરી વૃધ્ધાએ પહેરેલા ઘરેણાંની ચોરી કરી હતી.