Mehsana News: કડી તાલુકાના વેકરા ગામની સીમમાં ભાગીદારીમાં ખરીદેલી જમીનના કબજાને લઈને શનિવારે કોર્ટ કમિશન સાથે પહોંચેલા અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર 15થી વધુ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ (Virendrasinh Yadav) એ PSI સહિત 3 ની બદલી કરી નાખી છે.
કડી તાલુકાના વેકરા (Vekra Village, Kadi) ગામે અમદાવાદના બિલ્ડર પર થયેલા હુમલા (Attack on Builder) કેસમાં બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) ના 3 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના PSI એમ.વી. દેસાઈનો DO કરી અરવલ્લી બદલી કરી દેવામાં આવી છે. જ્યારે બાવલુ પોલીસ મથકના તરુણસિંહ, ધવલસિંહ, દિલીપ રબારીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ છે. આ હુમલામાં મનન પટેલ, રીમ્પલ પટેલ અને અમિત શર્માને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ દાગીનાની લૂંટ પણ ચલાવી હતી.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના બોડકદેવમાં રહેતા બિલ્ડર મનન અશ્વિનભાઈ પટેલ અને રીમ્પલ ભરતભાઈ પટેલે ચાર વર્ષ પહેલાં વેકરા ગામની સીમમાં સર્વે નંબર 1323, 1188, 1186 અને વરખડીયા ગામની સીમમાં સર્વે નંબર 148ની જમીન ખરીદી હતી. રીમ્પલ પટેલે જમીન અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. શનિવારે કડી કોર્ટ કમિશનના સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર રાવલ પંચનામું કરવા આવ્યા હતા. મનન પટેલ, રીમ્પલ પટેલ અને તેમના મિત્રો પણ ખેતરમાં હાજર રહ્યા હતા. વેકરાની સર્વે નંબર 1323, 1188, 1186ની જમીનમાં ખેડૂત તરીકે મેહુલ રબારીનું નામ ચાલતું હોવાથી તેનું પંચનામું બધાની હાજરીમાં થયું હતું. ત્યાર બાદ સર્વે નંબર 148ના પંચનામા માટે જતા 15 શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડી, ધારીયાથી માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
આોપીઓએ હુમલો કરી લૂંટ ચલાવી
ફરિયાદી પટેલ મનન અશ્વિનભાઈ પર હુમલો કરીને રોલેક્સ ઘડિયાળ, પ્લેટેનિયમ ગોલ્ડ ચેન, રિયલ ડાયમંડ બ્રેસ્લેટ તોડીને લઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મનન પટેલે વેકરા ગામે વરખડીયાની સીમમાં 2021-22માં જમીન વેચાણ પર લીધી હતી. આરોપી મેહુલ રબારીએ જમીન પોતાના નામે કરી લીધી હતી. જેને લઈ કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અદાવત રાખી ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 15 વ્યક્તિઓના નામજોગ સાથે ફરિયાદ નોંધાવાઈ છે.
15 સામે ફરિયાદ
પોલીસે વેકરાના મેહુલ રઘનાથભાઈ રબારી, સતિષ રઘનાથભાઈ રબારી, થલતેજના રમેશ ઉર્ફે ભાણો બાબુભાઈ રબારી, પાલ્લીના કૌશિક રબારી, વરખડીયાના સંજય પુનાભાઈ, ઘાટલોડિયાના સુહાસ ઉર્ફે પુષ્પા રાજપૂત, અન્નો રબારી, પંકો રબારી, જયલો દેસાઈ, લગધીર દેસાઈ, ચાણસ્માના સેંધા ગામના કરણ રબારી, ઉમંગ રબારી, આનંદ રબારી, હર્ષ રબારી અને સેંધા રબારી સામે ગુનો નોંધ્યો છે.