ભુવનેશ્વરઃ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકારે તાબડતોબ કાર્યવાહી કરી પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે. બીજી તરફ ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની ભુવનેશ્વરમાં યોજાયેલી મીટિંગમાં ગુરુવાર, તા. 1 મેથી પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી પાકિસ્તાનને મરણતોલ ફટકો લાગશે.
ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની મીટિંગમાં તમામ રાજ્યોના પ્રતિનિધિ સામેલ હતા. જેમાં પાકિસ્તાન સાથે તમામ બિઝનેસ ડીલ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાંડ, લોખંડ, ગાડીના પાર્ટસ, ઈલેક્ટ્રિક સામાન ભારતના વેપારીઓ પાકિસ્તાનને મોકલે છે. પરંતુ હવે 1 મેથી આ વેપાર બંધ કરવામાં આવશે.
આ અંગે વડા પ્રધાન કાર્યાલય, નાણા પ્રધાન કાર્યાલય, વાણિજ્ય મંત્રાલય સાથે વાત કરવામાં આવશે. એક તરફ સરકારે પાણી બંધ કર્યું છે તો બીજી તરફ વેપારીઓ પણ તેમને દેશના સૈનિક માને છે અને આ રીતે લોકોને પાકિસ્તાન સાથે વેપારી સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે.
2019 પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. તેથી બંને દેશો વચ્ચે વેપારમાં ભારે ઘટાડો થયો છે. 2018માં ભારત-પાકિસ્તાન વચ્ચે લગભગ 3 બિલિયન ડોલરનો વાર્ષિક વેપાર થયો હતો. જે 2024માં 1.2 બિલિયન ડોલર જ થયો હતો.
પાકિસ્તાનની શેરબજારમાં કડાકો
ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાંને કારણે 24 એપ્રિલના રોજથી પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડો ચાલુ થયો હતો. અને આજે બજાર ધડામ દઈને ક્રેશ થતા 2500 પોઈન્ટ ઘટાડો નોંધાયો. શેરબજારમાં જોવા મળતા સતત ઘટાડાને લઈને પાકિસ્તાનનું માનવું છે કે ભારતીય સેના 36 કલાકની અંદર પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટું પગલું લે તેવી સંભાવના છે. જેના કારણે પાકિસ્તાની રોકાણકારો બજારમાં ભારે વેચવાલી કરી રહ્યા છે અને બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કરાચી 100 ઇન્ડેક્સ 120,000 થી ઘટીને 112,338.16 પર આવી ગયો છે.
IMF એ પણ વૃદ્ધિ દર ઘટાડ્યો
ભારત દ્વારા કડક નિર્ણયો લેવા ઉપરાંત IMF એ પણ નાણાકીય વર્ષ 25 માટે પાકિસ્તાનનો GDP વૃદ્ધિ દર 3% થી ઘટાડીને 2.6% કર્યો હોવાના કારણે બજાર નરમ પડયું છે, રોકાણકારોનો વિશ્વાસ નબળો પડતા શેરબજાર ગત સપ્તાહથી સતત ઘટી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના વચ્ચેના તણાવ ઘટશે નહીં ત્યાં સુધી પાકિસ્તાનના શેરબજારમાં વધુ નબળાઈ જોવા મળી શકે છે. પાકિસ્તાનમાં શેરબજારમાં કડાકો બોલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં છેલ્લા બે દિવસથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.