Ahmedabadના ચંડોળા તળાવમાં ગુનાખોરીનું સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારીની અંતે ધરપકડ
Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના બીજા દિવસે તંત્રએ અંદાજે નાના મોટા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા. 2 હજારથી વધુ પોલીસ, SRPની 15 કંપની, AMCના 1800 જેટલા કર્મચારીઓ સહિત અન્ય ટૂકડી સાથે ડિમોલેશન હાથ ધરાયું હતું.
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીની ધરપકડ કરી લીધી છે. લલ્લા બિહારી છેલ્લા ઘણા વર્ષોથી ચંડોળા તળાવ રહેતો હતો. લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમ્મદ પઠાણની પણ પોલીસે ધરપકડ કરી છે. લલ્લા બિહારી ગેરકાયદે વસવાટ કરાવીને ભાડા પર મકાન ભાડે આપતો હતો. પિતા-પુત્ર બિહારથી ગેરકાયદે ભાડાનું નેટવર્ક શીખીને અમદાવાદ આવ્યા હતા.
લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઊભું કર્યું હતું. પિતા-પુત્ર સરકારી જમીન પર મકાન બનાવીને ભાડે આપતા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફતેહ મોહમદને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજયણએ કહ્યું, “બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી લલ્લા બિહાર અને તેમનો દીકરો ફતેહ મોહમ્મદ હતા. ફતેહ મોહમ્મદની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, અને આજે સાંજે કોર્ટમાં હાજર કરવામાં આવશે, લાંબા સમયની રિમાન્ડની માંગ કરવામાં આવશે. ગેરકાયદે બનાવેલા મકાનોની ઝડતી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.”
1-1 ઇંચ જગ્યા ખુલ્લી કરાવીશું: હર્ષ સંઘવી
ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમે દબાણો દૂર કર્યા છે જ્યાંથી અલ કાયદાના સહયોગી અને બાંગ્લાદેશી ગેરકાયદે રીત પકડાયા છે. અમે એ જગ્યાને ધ્વસ્ત કરી છે, જ્યાંથી અત્યાર સુધીમાં ડ્રગ્સ કાર્ટલ પકડાયા છે. અહીં નાની મુસ્લિમ બાળકીઓને બાંગ્લાદેશીઓએ વેશ્યાવૃત્તિનો શિકાર બનાવી હતી. અહીંથી મોટાપાયે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોના હિતમાં અમે 1-1 ઇંચ જગ્યા ખાલી કરાવીને રહીશું. માનવતાને ધ્યાનમાં રાખીને આ કામને પૂર્ણ કરવામાં આવશે. તળાવની જે સવા લાખ મીટર જગ્યા છે તેને ગેરકાનૂની બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી.