Surat Teacher Love Story : સુરતના પુણા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલા યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. ત્યારે વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી શિક્ષિકા મળી આવી છે. શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે.
સુરત શહેરમાંથી નવાઈ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો. 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ છે. શિક્ષિકા વિદ્યાર્થીને શાળા અને ટ્યૂશનમાં ભણાવતી હતી. બંને એક જ બિલ્ડિંગમાં રહે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં શિક્ષિકા 11 વર્ષના બાળક સાથે જતી દેખાય છે.
સીસીટીવીમાં ભાંડો ફૂટ્યો
28મી એપ્રિલના રોજ સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો બપોરે બહાર રમવા ગયો હતો. જે બાદ તે પરત આવ્યો નથી. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, તેના બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરાયા હોવાની શંકા છે. ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. 23 વર્ષીય શિક્ષિકા વિદ્યાર્થીને શાળા અને ટ્યૂશનમાં ભણાવતી હતી.
કંટાળી ગયા હોવાથી ફરવા ગયા
પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. બાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી. તપાસ દરમિયાન બંને આજે સવારે ગુજરાત રાજસ્થાનની શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સબંધ છે કે કેમ એ પ્રશ્ન ઉદભવ્યો છે. પુણા પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.
શિક્ષિકાએ ઓનલાઈન ટુર પેકેજ બુક કરાવ્યું
પોલીસે તપાસમાં સામે આવ્યું કે, શિક્ષિકાએ મેક માય ટ્રીપથી ઓનલાઈન ટુર પેકેજ બુક કર્યું છે. શિક્ષિકા ઘરેથી કપડા ભરેલી બેગ લઈને નીકળી હતી. પરંતું બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજાં દિવસે બાળકને પણ લઈ ગઈ હતી.
બંને એકબીજાને પસંદ કરતા હતા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને એકાબીજાને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખે છે. બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો. પહેલા ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો. જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા.