Weather Update: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 10, 11 મે સુધીમાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતુ 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે.
25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યનાં ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ખેડૂતોની ચિંતા વધારી શકે છે.
3 મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કમોસમી વરસાદ વરસશે તો પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને કેરીના પાકને મોટાપાયે નુકસાન થઈ શકે છે. હાલ તો અંબાલાલ પટેલની આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
ભારે પવન ફૂંકાશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યના મોટા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.