Gujarat Super Leagueની બીજી સીઝનની જાહેરાત, 6 ટીમ વચ્ચે 13 દિવસ ચાલશે ટુર્નામેન્ટ

Gujarat Super League Season start on 2 In May
  • પ્રમુખ પરિમલ નથવાણીએ 6 ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું
  • ઓપનીંગ મેચ 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરી છે. ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઓપનીંગ મેચ 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે.

આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.

શુક્રવારે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સીઝન-2માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પરિમલ નથવાણીએ સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.

GSL ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમો આ મુજબ છે:
અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ)
ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી))
કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ)
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ)
સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ)
વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ)

પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સુપર લીગ તેની બીજી સીઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સીઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”

GSFA ના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સીઝનમાં તેની મેચને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે.

GSL સીઝન-2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top