Tesla Cybertruk Car In Gujarat: એલન મસ્ક(Elon Musk)ની કંપની ટેસ્લાની ઈલેક્ટ્રિક મોટર કારની ચર્ચા આખી દુનિયામાં છે. મસ્કની ટેસ્લા ભારતીય બજારમાં ઉતારવા માટે વલખાં મારી રહી છે.પરંતુ હજુ સુધી ભારતમાં ટેસ્લાનું વેચાણ શરૂ નથી થયું ત્યાં તો ગઈ કાલે રાત્રે સુરતના રસ્તા પર એક ટેસ્લાની સાયબર ટ્રક દોડતી જોવા મળી હતી. આ કાર સુરતના એક ઉદ્યોગપતિએ છેક દુબઈથી ખરીદીને લાવ્યા છે.
દુનિયાભરમાં ચર્ચામાં રહેલી ટેસ્લાની સાયબરટ્રક હવે પહેલી વાર ભારતની ધરતી પર જોવા મળી છે. આ સાયબર ટ્રક કારપ્રેમી અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ(Lavji Badshah) દ્વારા મંગાવવામાં આવી છે.આ સાયબર ટ્રકનું નામ લવજી બાદશાહે પોતાના ઘરના નામ પરથી ‘ગોપીન’ રાખ્યું છે.લવજી બાદશાહે ખાસ દુબઈથી આ ટેસ્લા સાયબર ટ્રક ઇમ્પોર્ટ કરી છે. દુબઈના પાર્સિંગ નંબરપ્લેટ સાથે જ આ કાર સુરતમાં લાવવામાં આવી છે.ગઈ કાલે રાતે સુરતના રસ્તા પર દોડતી આ કારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
લવજી બાદશાહે આ સાયબર ટ્રક શોખ ખાતર ખરીદી છે. તેનો લૂક રોબોર્ટ જેવો છે. આ ટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ ફીટ કરાવેલા છે. તેની એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ દરેક પ્રકારના રસ્તા માટે તેને અનુકૂળ બનાવે છે. સિટી ડ્રાઈવિંગથી ઓફ રોડ એડવેન્ચર સુધી તે દોડવા તૈયાર છે. લવજી બાદશાહનો પુત્ર કારનો શોખીન છે. દીકરાના શોખને પુરો કરવા લવજી બાદશાહે આ કાર ખરીદી છે.
ઉલ્લેખનીય છે કે, ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે સાયબર ટ્રક ભારતમાં લઈ આવ્યા છે.