Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીર ખાતે મોરારિબાપુની કથા સાંભળવા ગયેલા ભાવનગરના પરિવારના પિતા અને પુત્રનું 23 એપ્રિલ, મંગળવારે પહલગામ (Pahalgam)માં થયેલા આતંકી હુમલામાં મોત થયું હતું. બંનેના મૃતદેહ બુધવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. આજે સવારે બંનેની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય રાજકીય નેતા અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું પહલગામમાં આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.
આજે સવારે ભાવનગર ખાતે પિતા પુત્ર સ્મિત અને યતિન પરમારના મૃતદેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. ત્યારે પરિજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ત્યાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી.
મૃતક સ્મિતના મિત્રોનું કહેવું છે કે, વિશ્વાસ નથી થતો કે સ્મિત અમારી સાથે નથી, સ્મિતને આર્મી જવાન બનવાનું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અધુરૂ રહી ગયું છે, સ્મિતની અકાળે વિદાય શાળા માટે મોટી ખોટ છે.
મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ, જિલ્લા કલેકટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.