Pahalgam Terror Attack : જમ્મુ-કશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
સોમનાથ અને દ્વારકામાં હાઇ એલર્ટ અપાયું
આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અંબાજી મંદિરમાં SOG તહેનાત
બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલો છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે SOGની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી ગોળી મારીઃ નીતિન પટેલ
કાશ્મીરના પહેલગામ હુમલા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હુમલાને વખોડતા પાકિસ્તાનની પણ ઝાટકણી કરી છે. ભારતના અનેક રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલો થયો છે. આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી ગોળી મારી હતી. 28 લોકોના આ હુમલામાં મોત થયા છે. ભારતમાં શાંતિ હોય ત્યારે પાકિસ્તાન આવા હુમલા કરાવે છે. વિદેશી મહેમાનની ભારતમાં હાજરી હોય ત્યારે હુમલા કરે છે આ આતંકવાદીઓ કાશ્મીર સુરક્ષિત નથી એવું સાબિત કરવા માંગે છે. દુનિયામાં શક્તિશાળી નેતાઓ પણ આ હુમલાની નોંધ લીધી છે. અમેરિકાને પણ સંદેશ આપ્યો કે તમે ભલે ભારતની મુલાકાત કરતા રહો. અમે આવા હુમલાઓ કરીશું.
અમિત શાહે આપી મૃતકોને શ્રદ્ધાંજલિ
અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ભારે હૃદયથી તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. આ પછી તેઓ પહેલગામના બૈસરનમાં પણ ઘટના સ્થળે પહોંચ્યા.
આતંકીઓને જડબાતોડ જવાબ આપીશુંઃ હર્ષ સંઘવી
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા છે. આપણે આતંકીઓને જડબાતોડ જવાબ આપીશું. એક એકને શોધીને જવાબ આપવામાં આવશે. કાયરોને શોધીને સજા કરાશે.
સાંજે ત્રણેય ગુજરાતની મૃતદેહ ગુજરાત પહોંચશે
ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોને અગવડતા ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આતંકી હુમલામાં ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. મૃતદેહ પહેલા મુંબઇ અને ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.