Amreli News | અમરેલીના ગિરિયા રોડ પર પ્લેન ક્રેશની ઘટના બની છે. ખાનગી પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું છે. પ્લેન ક્રેશ થયા બાદ અચાનક બ્લાસ્ટ થવાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલીના ગિરિયા રોડ પર મંગળવાર બપોરે ખાનગી કંપનીનું ટ્રેની વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત નીપજ્યું છે. આ વિમાન અમરેલીમાં કાર્યરત એક ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે પ્લેનમાં એકમાત્ર પાયલોટ હતો, જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પાયલોટની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તે હજુ અકબંધ છે. જો કે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના બની હોઈ શકે છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને દુર્ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા હાલમાં ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનીકોમાં રોષ
પ્લેન ક્રેશની ઘટના બાદ સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોનું કહેવું છે કે અહીં ખાનગી કંપનીના ટ્રેઈની પ્લેનની અવરજવર ચાલૂ રહે છે. આ પ્લેન ઘરથી માત્ર 10 ફૂટ દૂર પડ્યું હતું. જો પ્લેન કોઈ ઘર પર પડ્યું હોત તો મોટી જાનહાની થઈ શકી હોત.