Surat News | રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે સુરતની અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પુનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નકલીનો આ કારોબાર છેલ્લા આઠ વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
સુરતના અમરોલી વિસ્તારના એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે ગોડાઉનની અંદર ગેરકાયદે રીતે હેડ એન્ડ સોલ્ડર્સ નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. પોલીસ તપાસ કરતા 16.36 લાખ રૂપિયાના શેમ્પુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પડાયો છે. આ ઉપરાંત શેમ્પુનું વેચાણ કરતા ડેનિશ અને જેમીલ નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબુલાત કરવામાં આવી હતી કે, ડેનિશ અને જેમીલ નામના ઇસમો છેલ્લા આઠ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પુનું વેચાણ કરી ચૂક્યા છે.
શેમ્પુનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા. જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પુ ખરીદવાના બદલે ઈ કોમર્સ વેબસાઈટ પરથી તેમની પાસેથી શેમ્પુની ખરીદી કરી છે.