-
રામબનમાં landslideની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત
ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરાઈ
Landslide Kashmir | જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાને કારણે થયેલા મોટા ભૂસ્ખલન (landslide)અને પૂર આવવાથી મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દુકાનોની સાથે ઘર સંપૂર્ણપણે નાશ થયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે આર્થિક નુકસાન થયું છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત લોકો સરકાર પાસેથી મદદની માંગ કરી રહ્યા છે. હાલમાં તંત્ર બચાવકાર્યમાં વ્યસ્ત છે.
બીજી તરફ લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના તમામ 50 યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી. તેમજ રાહત કમિશનર પાંડેએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે.
આર્મીના જવાનો (Indian Army) એ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રીકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે. ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઈમરજન્સી પણ નથી તેમજ જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડીંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ પણ રાહત કમિશનરે ઉમેર્યું હતું.
એસએસપી રામબન કુલબીર સિંહે જણાવ્યું હતું કે તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ધાર્મિક સ્થળ પરથી લગભગ 100 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અધિકારીઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે જેથી જરૂર પડે ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે રામબનમાં નુકસાનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ છે.