Gandhinagar | ઘેડ પંથકના ખેડૂતોની સમસ્યાનો આવશે અંત, કાયમી ભરતા પાણીના ઉકેલ માટે સરકારનો મહત્વનો નિર્ણય

The problem of farmers of Ghed Panthak will come to an end, an important decision of the government to solve the permanent water shortage.

Gandhinagar: સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.1,534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂ.139.42 કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

જળ સંપતિ મંત્રી અને પોરબંદરના પ્રભારી શ્રી કુંવરજી બાવળીયા(Kunvarjibhai Bavaliya)એ જણાવ્યું હતું કે,જૂનાગઢ,પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર,ઓઝત,મધુવંતી,મીણસાર,વર્તુ,સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે.આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ,છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઈ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિમાં રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન અને ત્યાર પછી પણ ખેતરમાં પાણી ભરાય રહેવાના લીધે કોઈ પાક ઉગાડી શકતા નથી છે.

મંત્રીશ્રી એ કહ્યું હતું કે,આ જટીલ પરિસ્થિતિઓના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલટન્ટની નિમણૂક કરી, સમગ્ર વિસ્તારના સુક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ઘેડ વિસ્તારના ગામોમાં ખાસ ગ્રામસભાના આયોજનો અને વિવિધ અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘેડ વિસ્તારના અનુભવી સ્થાનિકોના સૂચનો-મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ટૂંકા,મધ્યમ અને લાંબા ગાળાના ઉકેલ સૂચવામાં આવ્યા છે. અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણ તબક્કાઓમાં કુલ ૧૧ પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે(Mukesh Patel)કામગીરીની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ,કેનાલો અને વોંકળાઓની વહનક્ષમતા અસરકારક રીતે વધારવા માટે વિવિધ અવરોધોને દુર કરવા તથા નદીઓ,કેનાલો,વોંકળાઓની સાફ-સફાઈ અને ડિસીલ્ટિંગના કામો,મીઠા પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ હયાત તળાવોને ઉંડા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રકમ રૂ.139.42 કરોડના કામોના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

બીજા તબક્કાના કામોમાં મુખ્ય નદીઓ અને વોંકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો,નદી/વોંકળા પરના હયાત સ્ટ્રક્ચરોના નવીનીકરણના કામો,મુખ્ય નદીઓના ડાયવર્ઝનના કામો, નદીઓના મુખ પર પાણીના અસરકારક નિકાલ માટેના સ્ટ્રક્ચરોના બાંધકામના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ માટે નર્મદા,જળ સંપતિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા અંદાજીત રૂ.1,534.19 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.જ્યારે આ વિસ્તારમાં ત્રીજા તબક્કામાં નદીઓના મુખો પર નવા બાંધકામો,મુખ્ય નદીઓના આંતરીક જોડાણો અને ઘેડ વિસ્તારની ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે.

આ ત્રણ તબક્કાના કામો પૂર્ણ થવાથી ઘેડ વિસ્તારમાં ભરાતા વિવિધ નદીઓના પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે.

જાણો શું છે ઘેડ વિસ્તાર ?
દક્ષિણ પશ્વિમ સૌરાષ્ટ્રનો નીચણવાળો ભુમી ભાગ ઘેડ તરીકે ઓળખાય છે, સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં બે ઘેડ મુખ્ય છે.એક બરડાઘેડ અને બીજો સોરઠઘેડ, સાની, સોરઠી અને વર્તુનો ઘેડ તે બરડાઘેડ. પોરબંદર, કુતિયાણા, કેશોદ, માંગરોળ, જૂનાગઢનો નીચાણવાળા પ્રદેશમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે. પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે. આ વિસ્તરમાં ચોમાસ દરમિયાન પાણી ભરાઈ રહેવાના લીધે પાક લઈ શકતો નથી.અને પાણી સુકાયા બાદ માત્ર ‘રામ પાક’ તરીકે એકવાર ઉત્પાદન શક્ય બને છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top