Ahmedabad: અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક વિલેજ(Olympic Village) સહિતની બીજી ઓલિમ્પિક સુવિધાઓ માટે 140 એકર જમીન ખાલી કરવા આસારામ સહિત 3 આશ્રમને અમદાવાદ કલેક્ટરે(Ahmedabad Collector) નોટિસ ફટકારી છે. જેમાંથી 120 એકર જમીન તો આસારામ આશ્રમની જ છે બાકીની 20 એકર જમીન ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આશ્રમની છે. આ જમીનને સંપાદન કરી સરકારી જમીનમાં ભેળવી દેવામાં આવશે.
ગુજરાત સરકાર ઓલિમ્પિક 2036(Olympic 2036) માટે અમદાવાદના મોટેરા ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવી રહી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની નજીક ઓલિમ્પિક વિલેજ સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ હેતુ માટે ત્રણ આશ્રમને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરીને નોટિસ અપાઈ છે. આસારામ આશ્રમ ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આમ ત્રણ આશ્રમની લગભગ 140 એકર જમીનનું સંપાદન કરાશે તેથી આ ત્રણેય આશ્રમને જમીન ખાલી કરવા આદેશ આપી દેવાયા છે. આ 140 એકરમાંથી 85 ટકા જમીન તો આસારામ આશ્રમની જ છે. કુલ 140 એકર જમીનમાંથી આસારામ આશ્રમ પાસે લગભગ 120 એકર છે, જ્યારે ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ પાસે બાકીની 20 એકર જમીન છે.
આસારામ આશ્રમની આ 120 એકર જમીન ગેરકાયદેસર હોવાથી કોઈ વળતર નહીં મળે જે માટે ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર(Ahmedabad Municipal Commissioner), ઔડાના સીઈઓ(AUDA CEO) અને અમદાવાદ જિલ્લા કલેક્ટર(Ahmedabad Collector)ની ત્રણ સભ્યોની સમિતી જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. જેમાં આ સમિતિએ મત આપ્યો છે કે, આસારામ આશ્રમે જમીન પચાવી પાડી હોવાથી તેમને કોઈ પણ પ્રકારનું વળતર મળશે નહીં. આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદે બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને નિયમભંગ કર્યો હોવાનો પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી આસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતીનો મત છે.
આ 120 એકર જમીન સહીત બીજા ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે.રાજ્ય સરકારે ઓલિમ્પિક્સના આયોજન માટે 650 એકર જમીનમાં વિશાળ કોમ્પ્લેક્સ બનાવવાનો ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે. આ માસ્ટર પ્લાન પ્રમાણે 280 એકર જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે કે જેમાં અલગ અલગ રમતોનાં સ્ટેડિયમ તથા પ્રેક્ટિસ સહિતની બીજી સ્પોર્ટ્સ સુવિધાઓ હશે. 240 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે કે જેમાં ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફના રહેવાની સુવિધાઓ હશે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ પર બીજું 50 એકરમાં ફેલાયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પલેક્સ ઉભું કરાશે કે જેમાં અરાઈવલ, ડીપાર્ચર સહિતની સુવિધાઓ હશે.