- Rajotમાં ઇન્દિરા સર્કલ પાસે ભયંકર અકસ્માત
- સિગ્નલ ખૂલતાં ઓવરસ્પીડ બસે 6 લોકોને કચડ્યાં, 3નાં મૃત્યુ
Rajkot News | રાજકોટમાં સીટી ફરી યમદૂત બની છે. ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે 6 લોકોને અડફેટે લીધા હતા જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 3 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે. પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ (Rajkot) શહેરમાં માતેલા સાંઢની માફક દોડતી સીટી બસે બુધવારના રોજ પાંચ વાહનને અડફેટે (Accident) લીધા હતા. બુધવારે સવારના સમયે ઇન્દિરા સર્કલ (Indira Circle) નજીક કેકેવી સર્કલ પાસે સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે 6 લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટાળો ઉમટ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો અને લોકોએ ટ્રાફિક જવાન પર ટપલી દાવ કર્યો હતો. જે બાદ ટ્રાફિક જવાને પણ ત્યાંથી ભાગી જવા મજબૂર થવું પડ્યું હતું. ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વિરોધ કરી રહેલા લોકો દાવો કર્યો છે કે ડ્રાઈવર નશામાં હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. સિટી બસ બેફામ રીતે ચલાવવામાં આવતી હોવાનો આરોપ લોકોએ કર્યો હતો. મૃતકોના અંતિમ સંસ્કાર ઈન્દિરા સર્કલ પર જ કરવાની પરિવારજનોની માંગ છે. પોલીસે પરિવારજનોને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા. મૃતદેહ સ્વીકારવાનો પરિજનોનો ઈન્કાર કરી દેતા ટોળું ઉગ્ર થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો.