Gujarat: ઉનાળાને લીધે દેશભરમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.જેને પગલે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કાળઝાળ ગરમીના કારણે શ્રમિકોને બપોરે કામ ન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ રાજ્યમાં આ જાહેરનામાનો ભંગ જોવા મળી રહ્યો છે.જાહેરનામાના સાત દિવસ માં જ સાબરકાંઠા જિલ્લામાં ભરબપોરે ધગધગતા તાપમાં કામ કરનાર 25 વર્ષના એક શ્રમિકનું મોત નિપજ્યું છે.
શું બની ઘટના ?
સાબરકાંઠા(Sabarkantha)ના વડાલી ખાતે ખરા બપોરે કામ કરાવવા પર 25 વર્ષીય મનોજ ડામોર નામના શ્રમિકનું મોત નિપજ્યું છે.શ્રમિકો વડાલી ખાતે રેલવે લાઇનનું કામ કરી રહ્યા હતાં. ત્યારે ગરમીમાં કામ કરતાં એક શ્રમિકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેના લીધે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હાલ, શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે વડાલીના સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જોવાનું એ રહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સરકારના આદેશને અવગણતા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું.
હવામાન વિભાગે(Meteorological department) કેટલાક જીલ્લાઓ સાથે સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.જેના લીધે સરકારે શ્રમિકોની સલામતીને ધ્યાનમાં લઈને બપોરના સમયે કામ બંધ રાખવા માટે આદેશ કર્યો હતો.પરંતુ, કોન્ટ્રાકટરોની મનમાનીના લીધે સરકારના નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
શું હતું સરકારનું જાહેરનામું ?
ગુજરાત રાજ્યમાં વધતી ગરમીને ધ્યાને લઈ શ્રમિકોને સુરક્ષા માટે રાજ્ય સરકારે બપોરે શ્રમિકો પાસે કામ ન કરાવવા આદેશ કર્યો હતો. જે અંગે જાહેરનામું બહાર પાડી સૂચના પણ આપવામાં આવી હતી. જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ‘ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રીલથી જૂન દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ્સ, મનરેગા વર્કર્સ, ઇટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા લેવાં જરૂરી છે. જે ધ્યાને લઈ વિવિધ કામગીરીમાં રોકાયેલ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1:00 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને આગામી એપ્રિલ-2025 થી જૂન-2025 સુધીના સમયગાળા દરમિયાન ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તેવી રીતે કામગીરી કરાવવા સૂચના આપવામાં આવે છે.’
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp