Narmada : ગુજરાતના રાજકારણમાં હાલ એક ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેટલા રાજીનામાં પડશે. જોકે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનો મોટો ચહેરો એટલે મહેશ વસાવા. ભાજપમાં હજુ લોકસભાની ચૂંટણી પહેલા પહેલા જોડાયેલા BTP નેતા એક જ વર્ષમાં તેમના અભરખા પુરા થયા અને ભાજપ માંથી રાજીનામું આપ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતમાંથી વસાવાનું રાજીનામાં બાદ વધુ એક ચૂંટાયેલા પ્રતિનિધિનું રાજીનામુ પડતા દક્ષિણ ગુજરાતમાં હડકંપ છે.
રાજપીપળા નગરપાલિકના ચૂંટાયેલા સભ્યએ રાજીનામું આપ્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. જેમાં હવે ફરી એકવખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં દક્ષિણ ગુજરાતમાં મહેશ વસાવાના રાજીનામાં બાદ રાજપીપળા નગરપાલિકના ચૂંટાયેલા સદસ્ય પ્રજ્ઞેશકુમાર એમ. રામીએ રાજીનામું આપતા ખળભળાટ છે. પ્રજ્ઞેશ રામી વર્ષ 2021માં રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 5 માંથી ચૂંટાયા હતા. જોકે હવે પ્રજ્ઞેશ રામીએ ભાજપના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામુ આપ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં બે દિવસમાં બે રાજીનામાં ભાજપમાંથી પડી ચુક્યા છે.
પ્રજ્ઞેશ રામીના રાજીનામાં પાછળનું કારણ શું ?
રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 5 માં વર્ષ 2021માં પ્રજ્ઞેશ રામી ચૂંટાઈને આવ્યા અને ત્યારથી તેઓ સક્રિય સભ્ય અને વિસ્તારમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જોકે રાજીનામુ આપ્યું ત્યારે તેમને જણાવ્યું કે નગરપાલિકામાં તેઓની કામગીરી સારી હોવા છતાંય ભાજપમાં તેઓનું માનસન્માન જળવાતું ના હોવાથી તેઓએ ભાજપ માંથી રાજીનામુ ધરી દીધું છે. જોકે રાજપીપલા નગરપાલિકામાં ભાજપનું શાશન છે અને પ્રમુખ સભ્યોને સાચવી ના શકતા હોવાની ચર્ચા અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. હવે વધુ ભાજપના નેતાઓ કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ રાજીનામાં ના આપે તેને લઈને ભાજપ એલર્ટ જોવા મળી રહી છે.