Gujarat : રાહુલ ગાંધી આગામી બે દિવસમાં રેસ અને લગ્નના ઘોડાને નોખા પાડશે !

Gandhinagar : ગુજરાતમાં કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન પૂર્ણ થયા બાદ ત્યાં જ જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 15 તારીખે રાહુલ ગાંધી ફરી વખત ગુજરાત મુલાકાતે આવશે. જોકે રાહુલ ગાંધી આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આવશે અને આવતીકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જશે જ્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

રાહુલ ગાંધીના બીજા પ્રવાસ પહેલા કોંગ્રેસે કરી હતી મોટી જાહેરાત
9 એપ્રિલે અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે AICCના 50 અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી છે. આ નિરીક્ષકો સાથે આજે રાહુલ ગાંધી અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક યોજશે. જેમાં દરેક જિલ્લા અને મહાનગરપાલિક માટે 5 સભ્યો ઓછામાં ઓછા નિરીક્ષક તરીકે મુકવામાં આવશે અને આ નિરક્ષકો સાથે રાહુલ ગાંધી મોટી બેઠક આજે બપોરે યોજશે. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે લગભગ 3 વાગ્યાથી મોડી સાંજ સુધી સતત રાઉન્ડ ધ ક્લોક બેઠક ચલાવાની છે.

આજે લગ્ન અને રેસના ઘોડા અલગ થશે !
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતના મોડાસાથી શરૂઆત થશે. આજે રાહુલ ગાંધી જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ તેમની 6 દિવસમાં બીજી ગુજરાત મુલાકાત હશે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસે હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનના બીજા દિવસે પણ ખડગેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે.

Scroll to Top