Gujarat : ભાજપના ઓપરેશન લોટસમાં બોટાદના “aap” ના ધારાસભ્ય ઉમેશ મકવાણા ‘જલાઈ’ જશે ?

Botad : વિસાવદરની સૂચિત પેટા- ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગજબની સક્રિયતા ખળભળાટ સર્જનારું ટ્વિસ્ટ વચ્ચે આવી શકે છે. વિશ્વસનિય સૂત્રો તરફથી મળતા સંકેતો મૂજબ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ નારણભાઈ મકવાણા (Umesh Makwana) ટૂંક સમયમાં દૂધમાં સાકર ભળે તેમ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જશે. સંકેત તો ત્યાં લગણના છે માત્ર ઉમેશ મકવાણા (Umesh Makwana) નહિ આમ આદમી પાર્ટીના અન્ય એક અથવા બે ધારાસભ્ય પણ જેમાં જામજોધપુર ના ધારાસભ્ય હેમંત ખવા (Hemant Khava) અને ગારિયાધાર ના ધારાસભ્ય સુધીર વાઘાણી (Sudhir Vaghani) પર પણ ભાજપની ‘કડી’ નજર છે.

ગુજરાત ભાજપનું પેટા ચુંટણી પહેલા જ ઓપરેશન લોટસ

ઓપરેશન-લોટસ અંતર્ગત ચલાવાય રહેલી પ્રક્રિયામાં જો કોઈ અડચણ કે અવરોધ નહીં આવે તો વિસાવદરની પેટા-ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાંથી તો આમ આદમી પાર્ટી જ ઠામૂકી સાફ થઈ જશે. નોંધનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 5 (પાંચ) ધારાસભ્યો અનુક્રમે ભૂપત ભાયાણી (Bhupat Bhayani) (વિસાવદર), ઉમેશ મકવાણા (Umesh Makwana) (બોટાદ) (Botad), સુધીર વાધાણી (ગારિયાધાર), હેમંત ખવા (જામજોધપુર), અને ચૈતર વસાવા (Chaitar Vasava) (ડેડિયાપાડા) ચૂંટાયા હતા. જો કે તેમાંના એક ભૂપત ભાયાણી (વિસાવદર) (Visavadar) એ ડિસેમ્બર-2023 માં જ પક્ષ-પલટો કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા હતા. નોંધનીય છે કે ભૂપત ભાયાણી જૂન-2023 માં સુરત (Surat) ની એક હોટલમાં એક અજાણી મહિલા સાથે જોવા મળતાં ભારે ઊહાપોહ મચ્યો હતો. જો કે જે-તે સમયે ભૂપત ભાયાણીએ એવો ખુલાસો કર્યો હતો કે આ વીડિયો મોર્ફ કરેલો, ખોટો અને રાજકીય પડયંત્રનો એક ભાગ છે. એ જૂદી વાત છે કે ખુલાસો કોઈના ગળે ઊતર્યો ન્હોતો. દરમિયાન થોડો સમય વીતતાં જ ભૂપત ભાયાણી ભાજપમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હતા અને ગેસ્ટહાઉસ (પ્રકરણ)ને તાળું લાગી ગયું હતું.

ઉમેશ મકવાણા ભાજપ ના ઓપરેશનમાં “જલાઈ” જશે !

હવે વિવાદાગ્રસ્ત ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) નો દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળવાનો વખત આવ્યો છે ! કેમકે તેમનાં નામે વળી પાકિસ્તાન-કનેક્શનનો ભાજપે આરોપ લગાવ્યો હતો. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC) એ કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણા (Umesh Makwana) તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મોલાના એટ્રોસિટી એક્ટ જેવા ગુનાના આરોપીને છોડાવવા બોટાદ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (SP)ને ફોન કરી ધમકી આપે છે તેવું ગૃહવિભાગ વતી વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. એટલું જ નહીં, ભાજપના ગઢડાના તત્કાલીન ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયાએ ‘આપ’ના લઘુમતી મોરચાના નેતા મોલાના પર પાકિસ્તાન- કનેક્શનના આરોપ પણ લગાવ્યા હતા. જોકે ઉમેશ મકવાણા (Umesh Makwana) એ ત્યારે વળતો એવો હૂંકાર કર્યો હતો કે સરકાર પાસે CBI-LCB જેવી તપાસ એજન્સીઓ છે. જો આ વાત (આરોપ) સત્ય સાબિત થશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. આવી બધ્ધી મથામણ વચ્ચે હવે જૂદો જ વળાંક આવી રહ્યો છે. ઉમેશ મકવાણા (Umesh Makwana) હવે ‘આપ’નું ઝાડૂ ફેંકી કમળ પાંખડીમાં બીડાવા જઈ રહ્યા હોય તેવા પાક્કા વાવડ છે.

લોકસભાની ચુંટણી બાદથી જ ચર્ચાઓ તેજ બની હતી !

જાણકારો તો ત્યાં સુધી કહે છે કે ઉમેશ મકવાણા (Umesh Makwana) અને ભાજપ વચ્ચે ‘ઇલૂ…ઇલૂ…’ ઘણા વખતથી ચાલતું હતું. હવે ‘સંબંધો’નું માત્ર એલાન બાકી છે. મળતા સંકેતો મુજબ આગામી સમયમાં વિસાવદરની પેટા ચૂંટણી સંદર્ભે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે, બરાબર એ જ વખતે આમ આદમી પાર્ટીના બે-ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ તેવી ગોઠવણ ચાલી રહી છે. આમ વિસાવદરની પેટા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અસ્તિત્વની કસોટીમાંથી પાર ઉતરવાની નોબત આવે તો નવાઈ નહીં. ભાજપ જો તેના ઓપરેશનમાં કામયાબ રહેશે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે ચૈતર વસાવાના રૂપમાં સમ ખાવા પૂરતા એક જ ધારાસભ્ય બચશે !

Visavadar ની ચૂંટણી પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો! aap Gujarat ના દિગ્ગ્જ નેતાના રાજીનામાના સંકેત

 


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top