Fake arms license racket | મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે, જેમા અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે, ATSએ 16 હથિયાર અને કાર્ટિસ જપ્ત કર્યા છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, અગાઉ ATSએ 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા શખ્સો બહારના રાજ્યમાંથી જેમાં ખાસ કરીને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ઓલ ઇન્ડિયા પરમીટના હથિયાર લાઇસન્સ મેળવવા ઘણી મોટી રકમ આપી રહ્યા છે. ખોટી રીતે લાયસન્સ મેળવીને હથિયાર મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે બોગસ લાઈસન્સ બન્યા છે,
સુરેન્દ્રનગર SOG અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી વચ્ચે ATS ગુજરાતએ બોગસ કોલ સેન્ટર ચલાવતા વિશાલ પંડ્યા ઉર્ફે વીપી, બ્રીજેશ મહેતા ઉર્ફે બીટ્ટુ , અર્જુન અલગોતર (ભરવાડ), અનિલ રાવલ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડ સહિતના મોટા માથાઓને ઉપાડી લીધા હતા. ATS Gujarat ની ટીમો મણીપુર અને નાગાલેન્ડ પહોંચી ગઈ હતી. આ કૌભાંડનો સૂત્રધાર અને વર્ષોથી આસામમાં સ્થાયી થયેલા મુકેશ બાંભા (Mukesh Bambha) ને શોધી લાવી.
અમદાવાદના આરોપીએ કૌભાંડના વટાણા વેર્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગત 28 માર્ચે ભરત થુંગા/ભરવાડ ઉર્ફે ટકો નામના એક માથાભારે ગુનેગારને પિસ્તોલ સહિતના હથિયારો સાથે પકડ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં તેણે ભાડા કરારના આધારે નાગાલેન્ડ જેવા રાજ્યમાં ઓલ ઇન્ડિયા પરમીટના હથિયાર ગન લાયસન્સ મળતા હોવાના કૌભાંડના વટાણા વેરી દીધા હતા.
સુરેન્દ્રનગર પોલીસે 25 હથિયાર કબજે લીધા
સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ બી. એચ. શીંગરખીયાની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફટાફટ બે ડઝન જેટલાં શખ્સોને ઉપાડી લઈ 25 વેપન (રિવોલ્વર, પિસ્તોલ, ટ્વેલ બોર ગન) તેમજ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોના 21 હથિયાર પરવાના કબજે કરી લીધા હતા.
અગાઉ 6 હથિયાર ઝડપાયા હતા
ગુજરાત ATSએ હથિયારનું નકલી લાઇસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડયું હતુ. ATS દ્વારા નકલી લાઈસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા, આરોપીઓ હરિયાણાના સોકત અલી છોટુ ખાન, ફારુખ અલી અને આસીફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાઇસન્સ બનાવીને પોતાનીની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.