લોનધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPC બેઠકમાં રેપો રેટમાં બીજી વાર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. RBIના નિર્ણયને પગલે આગામી દિવસોમાં લોન સસ્તી થઇ શકે છે જેના કારણે તમારો EMI પણ ઘટશે.
બુધવારે નવા ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી બેઠક યોજાઈ હતી અને તેમાં રેપો રેટ 0.25 ટકાથી ઘટાડીને 6.00 ટકા કરવામાં આવ્યો છે. પહેલા તે 6.50% હતો.સંજય મલ્હોત્રાએ આજે 9 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી. આ બેઠક 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. આમાંથી 3 RBI ના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે RBIની બેઠકો દર બે મહિને યોજાય છે. હાલમાં, રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ છે.
ફેબ્રુઆરીમાં, RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો
અગાઉ, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25ની છેલ્લી બેઠકમાં, RBIએ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.
શું છે રેપો રેટ?
રેપો રેટ એ વ્યાજદર છે જેના પર આરબીઆઈ કમર્શિયલ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે. જ્યારે આ રેટ ઘટે છે ત્યારે બેંકો માટે નાણા લેવા સસ્તા બને છે અને તેનો સીધો લાભ સામાન્ય જનતા સુધી પહોંચે છે. આનાથી બેંક પણ પોતાનો વ્યાજદર ઘટાડે છે. પરિણામે હોમ લોન, કાર લોન, વ્યકિતગત લોન અને શિક્ષણ લોન જેવી વિવિધ લોન પરનું વ્યાજ ઓછી થવાની શક્યતા વધી જાય છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને EMI પણ ઘટશે. જો વ્યાજ દર ઘટશે, તો મકાનોની માંગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે.