Surat | શિક્ષણ કરતા વિવાદ માટે જાણીતી સુરતની જાણીતી SVNIT કોલેજનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઈન્ડ બેન્ડ ઇવેન્ટમાં કાર અને બાઈકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયા છે.
ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં રહેતી SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કોલેજ ફરી વિવાદમાં સપડાઈ છે. 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઈન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કારના શોમાં રંગબેરંગી લાઈટ વાળી લાઈટ સાથેની કારથી અને બાઈકથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યાં હતાં.
કેમ્પસમાં “કાર-શો” માટે મંજૂરી લેવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન કાર અને બાઈક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં ઉચ્ચ અવાજે સાઇલેન્સરો, રબર બર્નિંગ અને હાઈ-સ્પીડ ડ્રાઇવિંગ જોવા મળી રહી છે. સ્ટન્ટ એવા જોખમી હતા કે થોડી પણ ગફલત થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
તપાસ હાથ ધરાઈ
આ સમગ્ર મામલે હવે સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ શરૂ કરી ચૂક્યા છે. સંભવિત પગલાં રૂપે જવાબદાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામે શિસ્તભંગ ની કાર્યવાહી થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થામાં આ ઘટના શિસ્તભંગ અને અન્ય વિદ્યાર્થીઓ માટે ખતરો ઊભો કરે છે. હાઈ-એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની મર્યાદા જાળવવી દરેક વિદ્યાર્થીઓની જવાબદારી છે.