CWC Meeting : આજથી અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. ત્યાંથી તેઓ હોટલ હયાત જશે અને બાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતાઓ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે પહોંચી રહ્યાં છે.
અમદાવાદમાં આજથી કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઇ રહ્યું છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે સવારે 11 વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે.
રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે. તેઓ એરપોર્ટથી સીધા હોટલ હયાત પહોંચ્યા હતા અને ત્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિત ત્રણેય નેતા CWC બેઠક માટે સરદાર સ્મારક પહોંચી ગયા છે. જ્યાં રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડીને સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે લઈ ગયા હતા. ત્રણેય નેતાઓ સૌપ્રથમ મ્યુઝિયમમાં જશે. જોકે પ્રિયંકા ગાંધી આજની બેઠકમાં હાજર નહીં રહે.
ગુજરાતમાં યોજાવા જઈ રહેલા ઐતિહાસિક અધિવેશન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસની વિચારધારાનું પુન: સ્થાપન વધુ મજબૂત થશે. સરદાર પટેલ સાહેબની લીટી ટૂંકી કરનાર લોકોને સંદેશ આપીશું. સરદાર સ્મારકમાં સરદાર પટેલની ઘડિયાળ, ખુરશી, ધોતી, બંડી, કુર્તી છે.
પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી
દેશના છ રાજ્યોમાં છોડા મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેના કારણે તેમનો રાજકીય અનુભવ અને જનતા સાથેનું જોડાણ પાર્ટી માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચેલા શશી થરૂરે કહ્યું છે કે, અમે દેશની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટેની રણનીતિ પર ચર્ચા કરીશું.
1924ના અધિવેશનમાં મહાત્મા ગાંધી અધ્યક્ષ ચૂંટાયા હતા
1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે.