Paper Leak: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, પરીક્ષામાં AIથી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ

paper leaked from whatsapp in hngu university experimental college prantij AI Used For Cheating yuvraj singh allegation

Paper Leak : ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓ વચ્ચે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં પરીક્ષા કૌભાંડ સામે આવ્યું છે. AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન મોબાઈલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી જવાબો લખ્યા હતા.

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (ઉત્તર ગુજરાત યુનિવર્સિટી) હેઠળ આવતી પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા સાહિત્ય આપી કરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે.

યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં એક કહેવત છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે. જે લગતું ગુજરાતમાં નકલથી નકલી સુધીનું ચાલી રહ્યું છે. શિક્ષણના વિદ્યા સંકુલ એ વેપારનો અડ્ડો બની ગયો છે. HNGU યુનિવર્સિટી હેઠળ આવતી પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પેપરોમાં ગેરરીતિ, ચોરી અને નકલ સામે આવી છે. મારી પાસે 24 વીડિયો છે, વીડિયોમાં દેખાય છે કે સંસ્થાના સંચાલકો અને વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સાહિત્ય પૂરું પાડે છે. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ દ્વારા અગાઉથી જ પેપર મોકલી આપ્યા હતા.

એક્સિપિરિમેંટલ કૉલેજ ઓફ એજ્યુકેશનમાં સંચાલકો દ્વારા નકલ આપવામાં આવી અને વિદ્યાર્થીઓમાં મોબાઈલ AI – આર્ટિફિસલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપતા હતા. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના લોકો દ્વારા આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરવાનો કીમિયો કરવામાં આવ્યો હતો અને HNGU યુનિવર્સિટી હેઠળની 800 કોલેજ દ્વારા આજ રીતે પરીક્ષાઓ ચાલે છે.

HNGU યુનિવર્સિટીનું સાહિત્ય, વોટ્સએપની ચેટ અને વીડિયો છે. જેમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા દેખાય છે. HNGUના સંચાલકો આ બધું જાણવા છતાં આંખ આડા કાન કરે છે. UGCના નિયમો તોડી કોલેજો ચલાવવામાં આવે છે. ઘણી કોલેજો કોમ્પલેક્ષમાં ચલાવવામાં આવે છે અને નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવે છે.

યુવરાજસિંહે માંગણી કરી છે કે પ્રાંતિજની કોલેજ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ. CCTV જાહેર કરી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. MCEની પરીક્ષા જ્યાં જ્યાં લેવામાં આવી તેની માહિતી પણ જાહેર કરવામાં આવે.

 

 

Scroll to Top