Botad News : ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા ભગવાન દ્વારકાધિશ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓના વિરોધમાં આહિર સમાજ અને હિન્દુ સંગઠનોએ રેલી કાઢી વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. મંદિર પરિસરમાં જઇ ‘દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે, વડતાલમાં કોણ છે ટકલા ચોર છે, દ્વારકામાં કોણ છે, ભગવાન સ્વામિનારાયણનો બાપ છે’ જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયને મહાન બતાવવા સ્વામિનારાયણ ધર્મના સંતો દ્વારા હિન્દૂ સમાજના આરાધ્ય દેવી દેવતાઓ મામલે બફાટ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દૂ ધર્મના દેવી દેવતાને ભગવાન સ્વામિનારાયણથી નીચે દર્શાવતી બાબતોનો ખોટો પ્રચાર ભક્તોમાં કરવામાં આવ્યો હોય અને જે મામલે સ્વામિનારાયણના સંતોને પીછેહટ કરી માફી માંગવાની પરિસ્થિતિ આવી હતી. તેમ છતાં હજુ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સુધરવાનું નામ લેતા નથી.
View this post on Instagram
300, 400 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા સ્વામિનારાયણ ધર્મ હજારો વર્ષ પૂર્વેના દેવી દેવતાનું સતત અપમાન કરી રહ્યો છે. આવું વધુ એક અપમાન કે જેમાં સ્વામિનારાયણના સંતો દ્વારા દ્વારિકાધીશ ભગવાન અંગે કરેલા બફાટ મામલે ગઢડામાં આહીર સમાજ અને અન્ય હિન્દૂ સંગઠનો લાલઘૂમ થઈ આજે સૂત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નીકળી સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. આહીર સમાજના લોક મંદિર પરિસર પહોંચી દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે, જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાના આરાધ્યના અપમાન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ ત્યાંથી મામલતદાર કચેરીએ પહોંચી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે ચેડાં કરી જે પુસ્તકો બનાવેલા તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.