ગુજરાત હાઇકોર્ટના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન એક અરજદાર જોડાયો. સુનાવણી દરમિયાન અરજદાર વિશ્વ વરસાણી સિગારેટ ફૂંકતો જોવા મળતા સિંગલ જજ એસ.ડી.સુથારે સમગ્ર મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં રિફર કર્યો હતો. કન્ટેમ્પ્ટ બેંચના જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની બેન્ચે અરજદારને ઉધડો લીધો હતો અને 50 હજાર રૂપિયાનો દંડ સજા સ્વરૂપે ફટકાર્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં બોગસ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા મામલે ફરિયાદ નોંધાઇ થઇ હતી. આ કેસમાં ધરપકડથી બચવા અરજદારે આગોતરા જામીન માટે અરજી કરી હતી. 11 માર્ચ 2025ના રોજ હાઇકોર્ટ પ્રોસીડીંગમાં લાઇવ સ્ટ્રીમિંગમાં જોડાયો ત્યારે અરજદારે સિગારેટ પીધી હતી. જજે આ બાબતની ગંભીર નોંધ લઈ મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં મોકલી આપ્યો હતો.
આ ઘટના પર જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની બેન્ચે અરજદારને પહેલાં તો બે લાખનો દંડ ફટકારવાની વાત કરી હતી. પરંતુ અરજદારના વકીલે બચાવ કરતા જણાવ્યુ કે, અરજદાર પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બિમારીથી પીડાઇ રહ્યો છે. આ અંગેના રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે, જસ્ટિસ સુપહીયા અને જસ્ટિસ ઠાકોરની બેંચે અરજદારની આ હરકતને લઇ ઉધડો લઈ નાંખ્યો હતો. આ મામલે હાઇકોર્ટે જણાવ્યું કે, ‘અરજદારે અદાલતની ગરિમા અને સન્માન જાળવ્યું નથી, અરજદારનું કૃત્ય ગંભીર અને અવમાનના સમાન છે. જો કે હાઇકોર્ટે અરજદારને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.’
અગાઉ પણ આવી ઘટના બની હતી
કોર્ટની અવમાનનો આ પ્રથમ કિસ્સો નથી. થોડા દિવસ અગાઉ હાઇકોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમીંગ વખતે અરજદારે શૌચાલયમાંથી કેસની સુનાવણીમાં ભાગ લેતા અરજદારને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. ત્યારબાદ આ બીજી ઘટના બની, જેમાં લાઇવ સ્ટ્રીમિંગની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જળવાયું ના હોય.