Congress – ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવાના નેમ સાથે અમદાવાદની ધરતી પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે 64 વર્ષ પહેલા ગુજરાતમાં યોજાયેલું કોંગ્રેસ અધિવેશન કેવું હતું, જાણો….
7 અને 8 એપ્રિલે અમદાવાદ ખાતે કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાવા જઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં 64 વર્ષ પેહલા 1961માં ભાવનગર ખાતે કોંગ્રેસનું 66મુ અધિવેશન યોજાયું હતું. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ નીલમ સંજીવ રેડ્ડી હતા. આઝાદી બાદ ગુજરાતમાં યોજાયેલ આ પ્રથમ અધિવેશન હતું. 1960માં બેંગ્લોરમાં યોજાયેલા અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસે હવેનું અધિવેશન ગુજરાતમાં યોજાય તેવી ભલામણ કરી હતી. અને ગુજરાત સિવાય ઓરિસ્સા અને મધ્યપ્રદેશ કોંગ્રેસે પણ ભલામણ કરી હતી, પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાતનું આમત્રણ સ્વીકાર્યું હતું. આ અધિવેશનમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હાજર રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
અધિવેશન માટે ભાવનગર જ કેમ પસંદ કરવામાં આવ્યું ?
આ પહેલાના જેટલા સ્થળે કોંગ્રેસ અધિવેશન મળ્યા હતા તે જગ્યાએ અંગ્રેજોની જ સત્તા હતી. દેશી રજવાડાં હોય ત્યાં અધિવેશન યોજાયું હોય તેવી ઘટના બહુ ઓછી હતી. ભાવનગર પહેલું એવું દેશી રજવાડું હતું જેના રાજાએ અખંડ ભારત માટે પોતાનું રાજ સરદારને સોંપ્યું હતું. તેથી જ ભાવનગરની પસંદગી થઇ હશે. બીજું ભાવનગરએ સૌરાષ્ટ્રનું મહત્વનું રજવાડું ગણાતું હતું. ભાવનગરમાં જે જગ્યાએ અધિવેશન યોજાયું હતું તેનું નામ ‘સરદારનગર’ રાખવામાં આવ્યું હતું જે અત્યારે કૃષ્ણનગરના નામે ઓળખાય છે.
ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ એક વર્ષના હતા
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું 86મું અઘિવેશન મળશે. ગુજરાતમાં કોંગ્રેસનું પહેલું અધિવેશન 1961માં ભાવનગરમાં મળ્યું હતું. યોગાનુયોગ ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખ પણ ભાવનગરના છે અને ગુજારતમાં પહેલું અધિવેશન મળ્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ માત્ર 1 વર્ષના હતા.