Ahmedabad Police: પોલીસ કમિશનર એક્શનમાં, PI રાત્રે 12 વાગ્યા સુધી નહીં છોડી શકે સ્ટેશનની હદ

ahmedabad police commissioner instructions to pi not to leave the police station till 12 midnight

Ahmedabad Police : અમદાવાદમાં અસામાજિક તત્વો, ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા થતાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત અર્થે આવતા નાગરિકોની વાતને પોલીસ અધિકારી સાંભળીને તેના પર કાર્યવાહી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા હુકમ આપવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇએ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. તેમજ દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવાની રહેશે. આ સુચનાઓ અમદાવાદ શહેરની તમામ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન (ક્રાઇમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામ)ને લાગુ પડશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહી મુલાકાત આપી તેઓની રજૂઆતો સાંભળવાની રહેશે અને મુલાકાતી પોતાની રજૂઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે.

ઘણી વાર પોલીસને અરજી આપવામાં આવતી હોય છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવતો નથી ત્યારે અધિકારીઓએ હવે અરજીનો નિકાલ કરવાનો રહેશે અને અરજીના આધારે યોગ્ય લાગે તો ગુનો નોંધવા પણ સૂચના આપી છે, PIને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવાની સૂચના અપાઈ છે, તો સરપ્રાઈઝ ચેકિંગ માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે, PIએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવુ પડશે અને પોલીસ મથકમાં તપાસને લગતા કામ કરવાના રહેશે.

PIએ મુલાકાતીઓને મુલાકાત રજૂઆતો સાંભળવાની રહેશે
સામાન્ય રીતે થાણા અમલદારોને સવારના સમયે કોર્ટમાં ગુનાના કામે મુદતે, તપાસનાં કામે સોગંદનામા અર્થે તેમજ અન્ય કામો અંગે હાજર રહેવાનું હોય છે. જેથી તેઓ સવારના 12.00 કલાકથી 2.00 કલાકની વચ્ચે થાણામાં આવતા મુલાકાતીઓને કયારેક ના પણ મળી શકે. તેથી થાણા અમલદારોએ દરરોજ સાંજે 4.૦૦ કલાકથી 6.00 કલાકની વચ્ચે પોતાના થાણામાં હાજર રહી મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે. અને મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ PI વિસ્તાર છોડી શકશે
પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ મથક વિસ્તારમાં હાજર રહી પોલીસ સ્ટેશન/તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. તેઓ પોતાનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાત્રે 12 વાગ્યા સુધી કોઇપણ સંજોગોમાં છોડશે નહી. જો તેઓને કોઇ આકસ્મિક કારણોસર તે સમય દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ વિસ્તાર છોડી શકશે.

Scroll to Top