- નર્મદાના પૂર્વ કલેક્ટરે કેવડિયામાં આદિવાસીઓની જમીન મંત્રીઓ, IAS અને IPS અધિકારીઓને પધરાવી દીધીઃ ચૈતર વસાવા
- આદિવાસીઓની જમીન પર કબજો કરનારાઓનો ખુલ્લા પાડીશું
- ચૈતર વસાવાના હુંકારથી અધિકારીઓમાં અને મંત્રીઓમાં ફફડાટ
નર્મદાઃ દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા કોલોનીમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે નર્મદા જિલ્લાના પૂર્વ કલેક્ટર નિનામાએ આદિવાસીઓની જમીન શ્રી સરકારી કરી મંત્રી, તંત્રી, IAS અને IPS અધિકારીઓને પધરાવી દીધી છે.
ચૈતર વસાવાએ આગામી દિવસોમાં આદિવાસીઓની જમીન પરત અપાવવા માટે એકતાનગર (કેવડિયા)માં ઉગ્ર આંદોલન કરી કમ્ફર્ટઇન કોમ્પ્લેક્સથી જમીનો પરત લેવાની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમજ ટૂંક સમયમાં કેવિડાયમાં આદિવાસીઓની જમીન પર કબજો કરનાર આખી યાદી બહાર લાવીશું. ચૈતર વસાવાના હુંકારથી અધિકારીઓમાં અને મંત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે કારણ કે કોનું નામ બહાર આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ચૈતર વસાવાએ 10 દિવસમાં જમીન કૌભાંડ બહાર લાવવાની વાત કરી છે.
શું કહ્યું ચૈતર વસાવાએ?
કેવડિયામાં મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમનું કામ ચાલી રહ્યું છે. મ્યુઝિયની સામે કમ્ફર્ટ ઇન કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્ષને લઇ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યાં છે. ચૈતર વસાવાએ કહ્યું કે આ કમ્ફર્ટ ઇન કોમ્પ્લેક્સ IAS અને IPS અધિકારીઓના ભાગીદારીથી બન્યું છે. કોમ્પ્લેક્સ ગૌચરની જમીનમાં બન્યું છે. આ અધિકારીઓ પર કોની રહેમ નજર છે. કેવડિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં IAS અને IPS અધિકારીઓના પ્લોટ છે. પોતાની ભાગીદારીની હોટલ છે. આવનારા દિવસોમાં કેવડિયાના લોકોને સાથે રાખીને આવા તમામ લોકોને ખુલ્લા પાડીશુ અને હોટલો અને રિસોર્ટનો કબજો લઇને જેની પણ જમીન છે તેને આપી દઇશું. શરૂઆત મ્યુઝિયની સામે કમ્ફર્ટ ઇન કોમ્પ્લેક્સથી કરૂશું. સરકારે જેતે સમયે કલેક્ટર નિનામા હતા ત્યારે આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી અને મંત્રી-તંત્રી અને આઇપીએસ અને આઇએસ અધિકારીઓના નામે કરી પધરાવી દીધી છે. એકવાર તપાસ કર્યા બાદ તેમને પણ બહાર કાઢીશું.
ચૈતર વસાવા અને કેવડિયાના DYSP વચ્ચે ઉગ્ર બોલાચાલી
ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે (3 એપ્રિલ) રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. ચૈતર વસાવાએ કેવડિયાના ડી. વાય. એસ. પી. સંજય શર્માને સ્થળ પર કહ્યું કે ‘ આંગળી નીચી રાખીને વાત કર’ “હું ધારાસભ્ય છું”.