Surat : સુરતના અબ્રામા ગામમાં વર્ષો જૂનું અંબરીષેશ્વર મહાદેવનું મંદિર છે. પણ હવે આ મંદિર વિવાદમાં આવ્યું છે. પૈસાની લાલચે પૂજારીએ આ પૌરાણિક મંદિરની જગ્યા સહીતની જમીન ઉદ્યોગપતિને વેચી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
ગ્રામજનોના કહેવા અનુસાર તેમના વડવાઓએ અંબરીષેશ્વર મહાદેવ મંદિરની જગ્યા સહિતની જમીન પૂજારીને ભરણ-પોષણ માટે આપી હતી. પણ હવે ગ્રામજનોના આક્ષેપ મુજબ પૈસાની લાલચે પૂજારીએ અબ્રામા ગામના આ પૌરાણિક મંદિર સહિતની જમીન ઉદ્યોગપતિને વેચી દીધી છે.
વર્ષ 2019માં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભવ્ય મંદિરને પૂજારીએ પહેલા જર્જરિત બતાવી ચેરિટી કમિશનર પાસેથી ખોટા હુકમો મેળવ્યા હતા. ત્યારબાદ શહેરના ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રૂપના વલ્લભ સવાણી અને તેના પૌત્ર મિતુલ સવાણીને આ મંદિરની જગ્યાનું વેચાણ કરી દીધું. આ ઉપરાંત 45 કરોડની જગ્યાનું ખોટું વેલ્યુએશન 9.50 કરોડની કિંમત બતાવી દીધી. લોકોએ ‘વલ્લભ સવાણી હાય હાય’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે મંદિરની જમીન બચાવવા માટે ધરણા-ઉપવાસ-આંદોલન કરવાની ચીમકી આપી છે.