અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 100 દેશ માટે તેમની ‘અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી’ હેઠળ ટેરિફની જાહેરાત કરી છે. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ જોવા મળી છે. ટ્રમ્પની આ નીતિ તે દેશના સામાન પર છે જે અમેરિકાના સામાન પર ઊંચો ટેરિફ વસુલે છે. ટ્રમ્પની આ નીતિની અસર ફક્ત વેપાર પર જ નહીં પરંતુ અર્થવ્યવસ્થા પર પણ પડશે.
આ યાદીમાં ભારત પણ સામેલ છે. ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ભારત ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. નિષ્ણાતોના મતે, કેટલીક ભારતીય નિકાસકારો પર વધુ આયાત જકાત લાગી શકે છે. અમેરિકા હાલમાં ભારત સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાની વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ વધારાને કારણે ભારતને દર વર્ષે લગભગ 7 અબજ ડોલર (61 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. ભારત અમેરિકામાં નિકાસ વધારે અને આયાત ઓછી કરી રહ્યું છે. રેસિપ્રોકલ ટેરિફના પગલે આમ આદમીના ખિસ્સા પર સીધી અસર પડશે. આવો જાણીએ ભારત પર પડનારી દસ સૌથી મોટી અસર જે તમને કરશે પ્રભાવિત.
દવાની કિંમતોમાં ઉછાળો
ભારત અમેરિકાને દર વર્ષે લગભગ 12.7 અરબ ડોલરની જેનેરિક દવાની નિકાસ કરે છે. રેસિપ્રોકલ ટેરિફ લાગુ થયા બાદ આ દવા પર ટેરિફ વધી શકે છે. જેનાથી દવા કંપનીઓની ઉત્પાદન કિંમત વધશે. તેની અસર ભારતમાં પણ દવાઓની કિંમતો પર પડી શકે છે. જેના પગલે તમારો મેડિકલ ખર્ચ પ્રભાવિત થશે.
ખાદ્ય તેલ અને કૃષિ ઉત્પાદન મોંઘી થશે
નારિયેળ અને સરસિયા જેવા ખાદ્ય તેલ પર 10.67 ટકા ટેરિફ વધવાની શક્યતા છે. તેનાથી તેની કિંમતો વધશે. જે તમારા રસોઇ બજેટને પ્રભાવિત કરશે, સાથે જ નિકાસમાં ઘટાડો નોંધાતા ખેડૂતોની આવક પર અસર પડશે.
ડેરી ઉત્પાદન ખર્ચમાં વધારો
ડેરી સેક્ટરમાં 38.23 ટકા ટેરિફ વધારવાની વાત છે. ઘી, માખણ અને દૂધ પાઉડર જેવા ઉત્પાદનોની કિંમતો વધી શકે છે. ટ્રમ્પ તંત્રના નિર્ણયને પગલે નિકાસ પ્રભાવિત થશે અને ભારતમાં કિંમતો સસ્તી થઇ શકે છે. પરંતુ ખેડૂતોની કમાણી ઘટવાથી અપ્રત્યક્ષ રીતે તમારા ગજવા પર બોજ વધશે.
ઝવેરાત ઉદ્યોગ પર બેવડો માર પડશે
ભારત અમેરિકાને 11.88 અરબ ડોલરની કિંમતનું સોનું, ચાંદી અન હીરાની નિકાસ કરે છે. 13.32 ટકા ટેરિફથી અમેરિકામાં ભારતીય ઘરેણા મોંઘા થશે પરંતુ ભારતમાં ઝવેરાતની કિંમત ઘટી શકે છે. તેનાથી તમારી ખરીદ શક્તિ વધી શકે છે. જેના પગલે નિકાસ ઘટશે અને વિદેશી હૂંડિયામણ ભારતમાં ઓછું આવશે અને રૂપિયો સોના-ચાંદી જેવી ધાતુમાં રોકાણ થશે સર્ક્યુલેશનમાં ચલણનો ઘટાડો થશે. જેનાં પગલે ભારતીય અર્થતંત્ર પર બેવડો માર પડી શકે છે.
ટેક્ષટાઇલ ક્ષેત્ર પ્રભાવિત થશે
આ ટેરિફની સૌથી ખરાબ અસર કાપડ ઉદ્યોગ પર પડી શકે છે. 2023-24માં ભારતમાંથી લગભગ 36 અબજ ડોલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા)ની કાપડ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 28 ટકા હતો, જે લગભગ 10 અબજ ડોલર (લગભગ 85,600 કરોડ રૂપિયા) હતો. વર્ષ-દર-વર્ષ આ અમેરિકા સાથે ભારતીય વેપારમાં વધારો જોવા મળ્યો છે. 2016-17 અને 2017-18માં કાપડ ઉદ્યોગમાં કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 21 ટકા હતો, જે 2019-20માં 25 ટકા અને 2022-23માં 29 ટકા સુધી પહોંચ્યો હતો. ટેરિફ વધવાથી કાપડ અને વસ્ત્રોની કિંમત અમેરિકામાં વધશે જેના પગલે ભારતમાંથી નિકાસ ઘટશે. નિકાસ ઘટના ઉત્પાદન પર અસર પડશે જેના પગલે કિંમત વધી શકે છે.
ઓટોમોબાઈલ પાર્ટની કિંમતમાં વધારો થશે
ઓટોમોબાઈલ સેક્ટરમાં ટેરિફમાં વધારો થતાં ગાડીઓના પાર્ટ્સ મોંઘા થશે. તેનાથી નવી ગાડીઓની કિંમતો વધશે અને રિપેરિંગ ખર્ચ પણ વધશે. જેના પગલે તમારા ખિસ્સા પર ભારણ વધશે.
ઇલેક્ટ્રોનિક્સ-મશીનરી પ્રોડક્ટ પર અસર
ઇલેક્ટ્રોનિક્સ-મશીનરી પ્રોડક્ટ પર ટેરિફ વધવાથી ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ મોંઘી થઇ શકે છે. જેના પગલે તમારૂ બજેટ ખોરવાઇ શકે છે. જોકે, કેટલાક જાણકારો અનુસાર ભારતમાંથી ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સંભવતઃ ફાયદો થવાની શક્યતા છે. વિયેતનામ જેવા દેશ પર વધારે ટેરિફ નાખવાના કારણે અમુક નિકાસ રિ-રુટ થાય તેવી શક્યતા છે.
રૂપિયો નરમ પડશે, મોંઘવારી વધશે
ટ્રમ્પના ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફના પગલે ભારતની નિકાસ ઘટશે, જેના પગલે રૂપિયો નરમ પડશે. આયાત થતો સામાન મોંઘો થશે, જેના પગલે તમારી રોજિંદા ખરીદી પર અસર પડશે.
નોકરીઓ ઘટશે
ટ્રમ્પની નીતિ અનુસાર રેસિપ્રોકલ ટેરિફને પગલે લાંબા ગાળે અમેરિકાને ફાયદો થશે. અમેરિકાની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને નોકરીઓ બચશે. આ સાથે ટેક્સની આવક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. ભારતમાં ટેક્સટાઇલ અને ઓટોમાબાઈલ ક્ષેત્રમાં નિકાસ ઘટતા નોકરીઓ પ્રભાવિત થઇ શકે છે. જો, તમે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમારી આવક ઘટી શકે છે.
IT અને ફાર્મા સેક્ટરમાં ભારતનો દબદબો ઘટશે!
ભારતનો આઇટી અને ફાર્મા સેક્ટર અમેરિકા પર નિર્ભર છે. ટેરિફથી આ સેક્ટરની આવક ધટશે. જેના પગલે આ સેક્ટરની કંપનીઓમાં છટણીનો ભય વધશે. તેના પગલે આ સેક્ટરમાં સંકળાયેલા લોકોની આવક પ્રભાવિત થશે
સિ-ફૂડ ક્ષેત્ર પર અસર પડશે
ભારત અમેરિકામાં 2.58 અબજ ડૉલરના સી-ફૂડની નિકાસ કરે છે. ટેરિફ વધવાને પગલે તેની નિકાસ ઘટશે. નિકાસ ઘટતા ભારતમાં સી-ફૂડ સસ્તામાં મળી શકે છે. પરંતુ આ સેક્ટરના લોકોની આવકમાં ઘટાડો થશે.
ટ્રમ્પના ટેરિફની આ ક્ષેત્રને બહુ અસર નહીં થાય
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની કાપડ, ચામડું અને લાકડા જેવા ક્ષેત્રો ઓછા પ્રભાવિત થઈ શકે છે. કારણ કે બંને દેશો વચ્ચે ટેરિફ તફાવત ઓછો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટ્રમ્પ ફક્ત તે ઉત્પાદનો પર જ ટેરિફ વધારશે જેનો તફાવત વધુ હશે.
અમેરિકા પર ટેરિફથી કેવી અસર પડશે?
અર્થશાસ્ત્રીઓ અનુસાર ટેરિફના કારણે અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધી જશે અને આયાતી ચીજવસ્તુઓમાંથી અમેરિકન કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરશે. ટ્રમ્પ તંત્રના નિર્ણય બાદ અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા વળતા ટેરિફને કારણે અમેરિકન નિકાસકારોને નુકસાન થશે. જેના કારણે અમેરિકાની ઇકોનોમી આગામી વર્ષમાં 0.6 ટકા ઘટશે અને તેના કારણે 2.5 લાખ નોકરીઓ છીનવાઈ જશે.