Gondal : ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. મંગળવારના રોજ રાજસ્થાનના જયપુરના શહીદ સ્મારક ખાતે આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પરિવારજનોના પોલીગ્રાફી (Polygraph Test) અને નાર્કો ટેસ્ટ (Narco Test) કરાવવાની માગણી કરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યાં છે.
મૃતક રાજકુમાર જાટના પરિવારના વકીલ જયંત મુંડેએ પ્રેસનોટ જારી કરી જણાવ્યું કે રાજકુમારની ગત તા. 4 માર્ચના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં હત્યા કરી દેવામાં આવી છે. પરિવારજનો અને સમાજનો આક્ષેપ છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારજનોએ નાની વાતમાં રાજકુમાર સાથે મારકૂટ કરી તેની હત્યા કરી લાશને રોડ પર ફેંકી દીધી છે. ગુજરાત પોલીસ બનાવને અકસ્માત જણાવીને આ કેસને દબાવવાની કોશિષ કરી રહી છે. બનાવના 26 દિવસ પછી પણ કોઇ એફઆઈઆર નોંધવામાં આવી નથી. મૃતકના એડવોકેટ જયંત મુંડે આ કેસની સીબીઆઈ પાસેથી નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવાની માગણી કરી છે.
મંગળવારે આક્રોશ અને શ્રધ્ધાંજલિ સભામાં સીબીઆઈને તપાસ સોંપવાની, તમામ શકમંદો ખાસ કરીને પૂર્વ ધારાસભ્યના પરિવારજનોના પોલીગ્રાફી અને નાર્કો ટેસ્ટ કરાવવાની, ગોંડલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી દોષિતોનો પર્દાફાશ કરાવવાની અને મૃતકના પરિવારને સુરક્ષા અપાવવાની સહિતની ચાર માગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 25 ધારાસભ્યો અને 4 સાંસદોએ આ મુદ્દો લોકસભા અને રાજસ્થાન વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટ અન તેનો પુત્ર રાજકુમાર ગત 2જી માર્ચે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે પિતા-પુત્રને અટકાવીને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં બંને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ અંગે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ ત્યાર બાદ 3જી માર્ચે મધ્યરાત્રીના સમયે કૂવાડવા નજીક વાહનની અડફેટે અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
Rajasthan માં #JusticeForRajkumar ટ્રેન્ડિંગ, Jayrajsinh Jadeja અને Ganesh Gondal નો વિરોધ | Police