લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ થયું, જાણો શું છે વક્ફ?

Waqf Amendment Bill Tabled In Lok Sabha

લોકસભામાં બુધવારે વક્ફ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ થયું છે. બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકની માંગ કરી હતી પરંતુ સરકારે ફક્ત આઠ કલાકનો સમય આપ્યો છે. વક્ફ સંશોધન બિલને રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષે વિરોધ હોબાળો મચાવ્યો હતો. સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે.

વક્ફ સંશોધન બિલને લઇ મંગળવારના રોજ ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિલ જારી કર્યું હતું. બિલને લઇ જેડીયૂ, ટીડીપી અને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ શિવસેના ઉદ્ધવ જૂથ પર ટકી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વ્હિપ જારી કરી રાજ્યસભાના સાંસદોને 2 એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન હાજર રહેવા જણાવ્યું હતું.

વિશ્વની સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાંઃ કિરેન રિજિજુ
બિલ પર ચર્ચા દરમિયાન કિરેન રિજિજુએ જણાવ્યું કે વિશ્વની સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે તેમ છતાં શના મુસ્લિમો ગરીબ કેમ છે. ગરીબ મુસલમાનોના શિક્ષણ, ઉત્થાન અને વિકાસ માટે કેમ કાર્યો થયા નથી. અમે આ બિલ દ્વારા ગરીબ મુસ્લિમોને સધ્ધર બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં આટલી બધી પ્રોપર્ટીને વેડફી શકાય નહીં. તેનો ઉપયોગ ગરીબ મુસ્લિમો માટે કરવો જરૂરી છે. આથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. દેશમાં 8.72 લાખ વક્ફ પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીનો ગરીબ મુસ્લિમો માટે ઉપયોગ કરીશું, તો દેશની સ્થિતિ જ બદલાઈ જશે.

વક્ફ બોર્ડે સંસદ પર પણ દાવો કર્યો હતોઃ કિરેન રિજિજૂ
લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે 2013માં દિલ્હી વક્ફ બોર્ડે પણ સંસદ ભવનને વકફ પ્રોપર્ટી જાહેર કરી હતી. યુપીએ સરકારે પણ તેને ડીનોટિફાઈડ કર્યું હતું. જો મોદીની સરકાર સુધારો ન લાવ્યા હોત તો આપણે જ્યાં બેઠા છીએ તે જગ્યા પણ વક્ફ મિલકત હોત. જો યુપીએ સત્તામાં હોત તો તેમણે અનેક મિલકતો ડીનોટિફાઈ કરી હોત. હું મારા મનથી કંઈ બોલતો નથી. આ બધું ડેટા અને ઘટનાઓ કહે છે. કિરેન રિજિજુના આ નિવેદન પર વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે. વિપક્ષના હોબાળા પર કિરેન રિજિજુએ કહ્યું કે તર્ક વિના હોબાળો કરવો યોગ્ય નથી.

બિલમાં ધાર્મિક વ્યવસ્થાના હસ્તક્ષેપની જોગવાઈ જ નથીઃ કિરેન રિજિજુ
કિરેન રિજિજુએ કહ્યું કે, વક્ફ સંશોધન બિલમાં કોઈ પણ ધાર્મિક વ્યવસ્થાના હસ્તક્ષેપની જોગવાઈ નથી. અમે કોઈ પણ મસ્જિદના સંચાલનમાં હસ્તક્ષેપ કરવા જઈ રહ્યા નથી. આ એક સંપત્તિના મેનેજમેન્ટ સાથે જોડાયેલો વિષય છે. કોઈ મુસ્લિમ જકાત આપે છે તો તેને પૂછનારા અમે કોણ. અમે તો માત્ર તેના મેનેજમેન્ટની જ વાત કરીએ છીએ. વિપક્ષ કહે છે કે આ બિલ લઘુમતીઓના અધિકારો પર હુમલો છે, જ્યારે સરકારનો દાવો છે કે તેનાથી વકફ મિલકતોનું વધુ સારું સંચાલન થશે.

બિલના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓ આવી
વક્ફ બિલના સમર્થનમાં દિલ્હીમાં મુસ્લિમ મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ હાથમાં પોસ્ટર લઇ રસ્તા પર નિકળી હતી. મહિલાઓએ વક્ફ બોર્ડની સંપત્તિની આવક તેના હકદાર સુધી પહોંચાડવા બદલ મોદીજીનો આભાર માન્યો હતો.

વક્ફ બિલ પાસ થયું તો દેશભરમાં વિરોધ કરીશુઃ AIMPLB
લોકસભામાં બુધવારે વક્ફ સંશોધન બિલ 2024 રજૂ થયું છે. બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. બિલને લઇ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેનું નિવેદન સામે આવ્યું છે. AIMPLBએ કહ્યું કે બિલને કોર્ટમાં પડકારીશું. મુસ્લિમ બોર્ડે બિલને કાળો કાયદો ગણાવી મુસ્લિમ સમાજના અધિકાર પર તરાપ મુકવાનો આક્ષેપ કર્યો હતો. બિલની ટીકા કરતા મુસ્લિમ બોર્ડે કહ્યું સંસદમાં બિલ પાસ થઇ જાય છે તો તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું.

શું છે વક્ફ ?
વક્ફ અરબી શબ્દ ‘વકુફા’ પરથી આવ્યો છે. વકુફાનો અર્થ થાય છે રોકવું. તેના પરથી બન્યો ‘વક્ફ’ એટલે કે ‘સાચવવું’. કાયદાકીય દ્રષ્ટિએ વક્ફ એટલે ‘ઇસ્લામમાં જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાની મિલકત દાન કરે છે તો તેને વક્ફ એટલે કે સંપત્તિનું એન્ડોમેન્ટ કહેવામાં આવે છે.’ દાનમાં આપેલી મિલકતને ‘અલ્લાહની મિલકત’ કહેવાય છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વક્ફને આપે છે તેને ‘વકીફા’ કહેવાય છે. વકીફા અથવા વક્ફ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી.

Scroll to Top