Weather Update : હવામાન વિભાગ દ્વારા રાજ્યના 20 જીલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 1 થી 3 એપ્રિલ દરમિયાન ગાઢ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અસરગ્રસ્ત જીલ્લાઓમાં અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરંતુ બીજીબાજૂ એપ્રિલ મહિનામાં આગઝરતી ગરમીની પણ આગાહી કરવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં સરેરાશ તાપમાન 1 થી 2 ડિગ્રી વધારે રહી શકે છે. સરેરાશ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. માર્ચ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ દિવસો હીટવેવના રહ્યા હતા. જે સામાન્ય કરતા ઘણા વધારે છે. એટલે એપ્રિલ મહિનામાં પણ હીટવેવના દિવસો વધારે રહી શકે છે. એટલે કે આ મહિને તમારે વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.જે રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અને હીટવેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે તેમા રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના અને તામિલનાડુના ઉત્તર વિસ્તારોનો સમાવેશ થાય છે.
અંબાલાલ પટેલે આ સીઝનની સૌથી ખતરનાક આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, 4 થી 11 એપ્રિલ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળાના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. 10 થી 18 મે સુધીમાં આરબ દેશોમાંથી આવતી આંધી તુફાનો થવાની શક્યતા છે. જેની અસરને પગલે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી શક્યતા છે. 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે.