ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી માટે 7 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે યુપીની 7 વિધાનસભા બેઠકો કરહલ, કુંડરકી, ગાઝિયાબાદ, ફૂલપુર, મઝવાં, કટેહરી, ખેર પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ કરહલ બેઠકથી અનુજેશ યાદવ, કુંડરકીથી રામવીર સિંહ ઠાકુર, મઝવાંથી સુચિસ્મિતા મૌર્ય, કટેહરીથી ધર્મરાજ નિષાદ, ખેરથી સુરેન્દ્ર દિલેર અને મીરાપુરથી ઉમેદવારોની જાહેરાત કરી છે. ફૂલપુરથી દીપક પટેલ, ગાઝિયાબાદથી સંજીવ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે, સીસામઉ (કાનપુર) બેઠકથી હજુ સુધી ભાજપે કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા.
કટેહરીથી ધર્મરાજ નિષાદ મૂળને મળી ટિકીટ
કટેહરીથી ધર્મરાજ નિષાદ મૂળ બીએસપીના છે. તેઓ 3 વખત બસપાથી ધારાસભ્ય અને બસપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. 2022 પહેલા ભાજપમાં જોડાયા. ચૂંટણી લડ્યા અને હારી ગયા. હવે ભાજપે તેમને વધુ એક તક આપી છે. સુચિસ્મિતા મૌર્ય મઝવાંથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2022માં આ બેઠક નિષાદ પાર્ટીને આપવામાં આવી હતી આ વખતે ભાજપે પોતાની પાર્ટીના પૂર્વ ધારાસભ્યને મઝવાંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અલીગઢની ખેર બેઠક પરથી સુરેન્દ્ર દિલેર ભાજપના પૂર્વ સાંસદ રાજવીર દિલેરનો દીકરો છે. ફૂલપુરથી દીપક પટેલ ભાજપના પૂર્વ સાંસદ કેસરી દેવી પટેલનો દીકરો છે.
ભાજપે સાત ઉમેદવારો જાહેર કર્યા
મઝવાંથી ભાજપના ઉમેદવારની જાહેરાત પર ભાજપના પ્રવક્તા મનીષ શુક્લાએ કહ્યું કે, એનડીએ એકજૂટ છે. અમારે ત્યાં એવો કોઈ વિવાદ નથી જે જાહેર મંચ પર જાય. હરિયાણામાં કોંગ્રેસે સપાને સ્થિતિ દેખાડી દીધી છે. અખિલેશ યાદવ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે. દબાણની રાજનીતિ I.N.D.I.A. ગઠબંધનમાં થઈ રહી છે. ભાજપે સાત ઉમેદવારો જાહેર કર્યા છે. બીજી બે બેઠકો છે જેના પર નામો થોડા સમયમાં જ સ્પષ્ટ થશે.