અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
S.G હાઈવે અકસ્માત ઝોન
બીજી તરફ આ ડમ્પર રેતીથી ઓવરલોડ ભરેલી હતી. ડમ્પરના ડ્રાઈવર સાઈડનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ડમ્પર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી S.G હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. બેફામ ચાલતા ડમ્પરો વારંવાર અકસ્માત સર્જે છે.
અકસ્માતના કેસમાં સતત વધારો
અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.
અમદાવાદમાં સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી છે. આ સ્થિતિએ રોજ સરેરાશ 75 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા બાદ ઈમરજન્સી સેવાની મદદ લીધી છે. બીજી તરફ વર્ષ 2023 આ સમયગાળામાં અમદાવાદમાં 19,122 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થતાં ઈમરજન્સીની મદદ લેવી પડી હતી.