Surat : હીરા માર્કેટ અને કારખાનાઓમાં લાગ્યા બેનર, 30મીએ રત્નકલાકારો પાડશે હડતાળ

Surat : સુરત સહિત રાજ્યનો હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે બેહાલ થયેલા રત્નકલાકારો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગો બંધ રાખી અને હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર-ઠેર હડતાળના બેનર લગાવવામાં આવ્યા છે. હડતાળની સાથે કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલી યોજાશે.

રેલી માટે પરમિશન મગાઈ

“રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં એક્શનપ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. રત્નકલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.રત્નકલાકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30% પગાર વધારો, ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના, આર્થિક પેકેજની વ્યવસ્થા, રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના અને આત્મહત્યા કરનારા રત્નકલાકારોના પરિવારોને સહાય અપાવવાની માંગણીઓ સામેલ છે.

એકતા રેલીમાં જોડાવા આહ્વાન

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે. પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને હડતાળમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. જો સરકાર રત્નકલાકારોની માગણીઓનો વિચાર નહીં કરે તો હડતાળના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે.

Scroll to Top