Visavadar: વિધાનસભાની પેટા ચૂંટણી માટે aap ના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા કોણ છે, વિવાદ થી લઈ રાજકીય સફર

Gujarat Politics: ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગર જિલ્લાના ટીંબી ગામના વતની છે. તેમનો જન્મ 1989માં 21 જુલાઈના રોજ બોટાદ ખાતે થયો હતો. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે. ઇટાલિયાએ અમદાવાદ ખાતે પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવ્યા બાદ ઇટાલિયાએ LLB સુધીનો અભ્યાસ કર્યો છે. 2012માં નાની વયે પોલીસની નોકરી મેળવી હતી અને ત્યારબાદ પોલીસની નોકરી છોડીને મહેસુલ વિભાગમાં ક્લાર્કની નોકરી કરી હતી. આ દરમિયાન લોકોના પ્રશ્નો માટે લડવા બબ્બે સરકારી નોકરી છોડીને રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાતમાં આમ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં ગોપાલ ઇટાલિયાની ભૂમિકા મહત્વની રહી છે. ગોપાલ ઇટાલિયા રાજકારણી અને સામાજિક કાર્યકર છે અને હાલ તેઓ aap ના નૅશનલ જોઈન્ટ સેક્રેટી તરીકેની જવાબદારી સંભાળે છે. તેઓ અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. ગુજરાતમાં ભાજપ સરકાર સામે તેઓ ગંભીર આરોપ લગાવતા હોય છે. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે. આમ આદમી પાર્ટને એક સમયે ખેડૂત નેતા અને કર્મશીલ કનુભાઈ કલસરિયા (Kanubhai Kalsariya) જેવું નેતૃત્ત્વ મળ્યું હતું, છતાં પાર્ટી ગુજરાતમાં અસરકારક જગ્યા બનાવી શકી ન હતી અને ગુજરાતની રાજનીતિ ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ચાલતી આવી હતી. જોકે, હવે ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરોના કારણે સ્થિતિ બદલાઈ છે. ગુજરાતમાં આપ હવે ત્રીજો વિકલ્પ ગણાવા લાગી છે.

પાટીદાર અનામત આંદોલન 2015 દરમિયાન ગોપાલ હાર્દિક પટેલના નજીકના કાર્યકર હતા. તેમણે નાગરિકોની કાનૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ઘણા ગામોની મુલાકાત લીધી અને તેમને ભારતીય બંધારણ અને કાયદાથી માહિતગાર કર્યા હતા. તેમણે દારૂ પર કડક પ્રતિબંધને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો હતો, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક મિનિટ લાંબી આ ક્લિપને કારણે રાજ્ય સરકારમાં ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે તેણે પોતે કોન્સ્ટેબલ હોવાનો દાવો કર્યો હતો. આ કિસ્સામાં તેમની સામે કલમ 120 હેઠળ કાર્યવાહી થઈ હતી. વર્ષ 2017માં તેમણે સરકારી ફરજમાં મુશ્કેલ સમય અને સરકારની નીતિઓ સામે આક્રોશ વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં ગોપાલની આર્મ્સ એક્ટ હેઠળ ખેતરમાં પ્લાસ્ટિકની બંદૂક ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલીયા જૂન 2020માં પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2020ના રોજ તેમને પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટી બનાવાયા હતા. જોકે 2021માં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં aap 27 સીટો સાથે વિપક્ષ તરીકે મેદાને હતું જોકે વર્ષ 2022 માં સુરતમાં એક પણ સીટ aap જીતી નહીં અને ગુજરાતમાં aap ની માત્ર 5 સીટો આવી જેમાંથી હાલમાં માત્ર 4 ધારાસભ્ય છે. બાકી 1 ભાજપમાં જોડાયા છે અને જેમાં પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ખુદ મેદાને ઉતર્યા છે અને એ બેઠક છે વિસાવદર. ઇકો સેન્સેટિવ ઝોન (Eco-Sensitive Zon) ના વિરોધ દરમિયાન પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી, સાગર રબારી, રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા સતત લડાઈ લડતા હતા. ત્યારેજ નક્કી હતું કે ગોપાલ ઈટાલીયા અહીંયાથી ચૂંટણી લડશે.

Scroll to Top