BJP Gujarat: ભાજપના હાઈ કમાન્ડે નિર્ણય લીધો છે કે હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે. મંત્રીમંડળમાં જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને બઢતી મળશે તો કેટલાકની બાદબાકી થશે. જોકે કોને શું મળશે એ બધાનું જ લેસન તપાસવામાં આવશે. કોણ પાસ કોણ નાપાસ તે આ લેશનમાં નક્કી થશે. પણ સૌથી અગત્યનું એ છે કે કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) અને સી.જે. ચાવડા (C. J. Chavda) ને મંત્રી બનાવવાનું હવે પાકું થયું છે તેવું લાગી રહ્યું છે.
જે કોઈ વ્યક્તિ રાજકારણમાં આવે છે તેની ઈચ્છા તો આખરે મંત્રી થવાની હોય છે. પહેલા કોઈને કોર્પોરેટર થવું હોય છે કોઈને ધારાસભ્ય થવું હોય છે અને ધારાસભ્ય થનારને કોઈને મંત્રી તો કોઈને મુખ્યમંત્રી થવું હોય છે. તો કોઈને સંસદની અંદર જવું હોય છે. આમ હવેનું જે રાજકારણ છે તે મેળવવાનું રાજકારણ છે તે બહુ જ સ્વાભાવિક ઘટના છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા અનેક નેતાઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનું કમળ હાથમાં લઈને ઊભા છે. અને રાહ જોઈને ઊભા છે કે ક્યારે અમારા ઉપર ઈશ્વરની કૃપા થાય અને મંત્રીમંડળની વરમાળા અમને પહેરાવવામાં આવે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 2022 ની ચૂંટણીમાં જે કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમને વચન આપ્યું હતું કે તમને ધારાસભાની ટિકિટ પણ મળશે અને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરીશું. વર્ષ 2022 ની ચૂંટણી પૂરી થઈ અને વાત 2025 સુધી પહોંચી પણ હજી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી. એટલે હવે નક્કી થયું છે કે જેમને વચન આપ્યું છે એ વચન પૂર્ણ કરીએ. સૂત્રો દ્વારા મળતી માહિતીના આધારે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે નિર્ણય કર્યો છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. પણ જે તારીખ નક્કી થઈ છે તે બહુ સૂચક છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુજરાત ઉપર ફોકસ વધાર્યું છે. એટલે ભાજપ હવે સક્રિય થયું છે કે કેવી રીતે રાહુલ ગાંધી સમાચારમાં ના આવે. તેમના સમાચારની ક્ષમતા તાકાત અને તીવ્રતા કેવી રીતે ઘટાડી શકાય. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે CWC કોંગ્રેસની વર્કિંગ કમિટી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ (Ahemedabad) માં મળી રહી છે. જેના માટે ગુજરાત પ્રદેશના નેતાઓ તડામાર તૈયાર તૈયારી કરી રહ્યા છે થોડા સમય પહેલા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ગુજરાતના નેતાઓને ઝાટક્યા હતા. અને કહ્યું હતું કે તમે રેસના ઘોડા અને લગ્નના ઘોડા બે અલગ રાખવાના હોય છે. પણ તમે તેવું કરતા નથી એટલે સૂચક એ બાબત છે કે હવે રાહુલ ગાંધીએ ગુજરાતનો હવાલો સંભાળ્યો છે. ગુજરાતના સંગઠનમાં ધરમૂળથી કોંગ્રેસમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. આ ફેરફાર કોંગ્રેસની વર્કિંગ કમિટી પહેલા પણ થઈ શકે છે તેવી શક્યતા પૂરી છે. રાહુલ ગાંધી જો કોંગ્રેસની વર્કિંગ કમિટી ગુજરાતમાં લેવાના છે ત્યારે આ સમાચાર માત્ર ગુજરાત માટે જ નહીં દેશ માટે પણ અગત્યના છે. દેશના માધ્યમોમાં આ સમાચાર મોટું સ્થાન લેશે એ વાત નક્કી છે.
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરામાં અમારા સૂત્રો એવું કહી રહ્યાં છે કે ભાજપ હાઈ કમાન્ડે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો જે સમય નક્કી કર્યો છે. તે તારીખ 8 અથવા 9 એપ્રિલ હોય શકે છે. જો આ તારીખોમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો રાહુલ ગાંધી અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સમાચાર અખબારોમાં ટેલિવિઝનમાં અને પોર્ટલમાં દબાઈ જાય. કારણ કે ગુજરાત માટે મહત્વના સમાચારો એ મંત્રીમંડળનું વિસ્તરણ છે. એટલે જ્યારે કોંગ્રેસની વર્કિંગ કમિટી મળે એ જ દિવસે રાજભવન ખાતે મંત્રીમંડળમાં સામેલ થનાર મંત્રીઓ સોગંધ લેતા હશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં હશે ત્યારે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મંત્રી મંત્રીપદ આપવામાં આવશે.