જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. થોડા દિવસ પહેલા બેઠક પણ યોજાઈ હતી.. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ 18 માર્ચે હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચી લીધી હતી. જે બાદ હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.
ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં
ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં ઉતરશે.આમઆદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાનના નામ પર મહોર લગાવી દીધી છે.ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલા જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી
વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભુપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.
2022માં ભુપત ભાયાણી બન્યા હતા ધારાસભ્ય
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો હતો , જેમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઈ વાળદોરીયા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો .ચૂંટણી પરિણામોમાં આપના ઉમેદવાર ભુપત ભાયાણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, ત્યાર બાદ 13 ડિસેમ્બર 2022ના દિવસે ભુપત ભાયાણીએ આપ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા ..જેથી વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
બેઠક પર 50 ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ
જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંયાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે.