દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે 14 માર્ચે આગ ઓલવવા ગયેલા ફાયર ફાઇટર્સના કર્મીઓને એક રૂમમાંથી મોટી રોકડ રકમ મળ્યાના અહેવાલોથી ભારે વિવાદ સર્જાયો. અગાઉ પણ એક કૌભાંડમાં તેઓનું નામ ચર્ચામાં રહ્યું હતું. ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે..
દિલ્હી HCના જજના ઘરમાં બળેલી નોટોની તસવીરો
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી રોકડ રકમની તસવીરો જાહેર થઇ છે.. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ અહેવાલ વેબસાઇટ પર મૂક્યો છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયે આંતરિક તપાસ બાદ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 માર્ચના રોજ મોડી રાત્રે રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 14 માર્ચે જસ્ટિસના ઘરે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ધટના સાથળે પહોંચી હતી.આગ પર કાબુ મેળવ્યા બાદ 4-5 અડધા બળી ગયેલા કોથળા મળી આવ્યા હતા, જેમાં નોટો ભરેલી હતી.ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.
જસ્ટિસ યશવંત વર્માએ આરોપોને નકાર્યા
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ આરોપોને નકારી કાઢ્યા છે તેમણે જણાવ્યું કે તેમને ફસાવવાનું અને બદનામ કરવાનું કાવતરું હોઈ શકે છે. તેમના દ્વારા કે તેમના પરિવારના કોઈપણ સભ્યો દ્વારા ક્યારેય કોઈ રોકડ રૂમમાં રાખવામાં આવી નથી. જે રૂમમાં આગ લાગી હતી અને જ્યાંથી કથિત રીતે રોકડ મળી આવી હતી તે આઉટહાઉસ હતું અને મુખ્ય બિલ્ડીંગ ન હતું જ્યાં ન્યાયાધીશ અને પરિવાર રહે છે.
અગાઉ પણ કૌભાંડમાં ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સિમ્ભૌલી સુગર મિલ્સ લિમિટેડે ઓરિએન્ટર બૅંક ઑફ કૉમર્સમાંથી લીધેલી કરોડો રૂપિયાની લોનનો કંપનીએ ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે ફેબ્રુઆરી-2024 માં એક કોર્ટે સીબીઆઈને બંધ પડેલી તપાસ ફરી શરુ કરવા આદેશ આપ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશને પલટી નાખ્યો હતો, જેના કારણે CBI ની પ્રાથમિક તપાસને તાત્કાલિક અસરથી બંધ કરી હતી. રોકડ મળી આવવાની ઘટના બાદ તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.