CSK vs MI : IPL 2025ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શનિવારે, 22 માર્ચે રમાશે. આ પછી, 23 માર્ચ, રવિવારે બે મેચ રમાશે. સાંજે સાડા સાત વાગ્યાથી રમાનારી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચમાં તમામની નજર દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પર રહેશે. IPLમાં રોહિત શર્માની આ 258મી મેચ હશે. ચેન્નાઈ સામેની મેચમાં ભાગ લઈને રોહિત શર્મા દિનેશ કાર્તિકને પાછળ છોડીને આઈપીએલના ઈતિહાસમાં બીજા નંબરની સૌથી વધુ મેચ રમનાર ક્રિકેટર બની જશે.
IPL ના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 264 IPL મેચ રમી છે. આ પછી આવે છે દિનેશ કાર્તિક અને રોહિત શર્મા. બંનેના નામે 257 મેચો નોંધાયેલા છે. હવે IPL 2025માં એક મેચ રમ્યા બાદ રોહિત શર્મા સૌથી વધુ મેચ રમવાના મામલે બીજા નંબર પર પહોંચી જશે.
IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ
મહેન્દ્ર સિંહ ધોની- 264
દિનેશ કાર્તિક- 257
રોહિત શર્મા- 257
વિરાટ કોહલી- 252
રવિન્દ્ર જાડેજા- 240
શિખર ધવન- 222
રોહિત રેકોર્ડ બનાવવાથી 1 બાઉન્ડ્રી દૂર છે
રોહિત શર્મા ચેન્નાઈ સામેની મેચમાં પ્રવેશતાની સાથે જ IPL માં બીજા નંબરનો સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે તે નિશ્ચિત છે, પરંતુ અન્ય એક મોટો રેકોર્ડ પણ હિટમેનના નિશાના પર રહેશે. જો કે આ રેકોર્ડ માટે ભારતીય કેપ્ટનને એક બાઉન્ડ્રીની જરૂર પડશે. વાસ્તવમાં, જો રોહિત ચેન્નાઈ સામેની મેચમાં ચોગ્ગા ફટકારવામાં સફળ થશે તો તે IPLમાં પોતાના 600 ચોગ્ગા પૂરા કરી લેશે. આવું કરનાર તે વિશ્વનો ચોથો બેટ્સમેન બની જશે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ શિખર ધવનના નામે છે. વિરાટ કોહલી બીજા અને ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે. આ ત્રણેય બેટ્સમેનોના નામે આઈપીએલમાં 600થી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ છે. હવે આ ખાસ યાદીમાં રોહિતનું નામ સામેલ કરવા માટે માત્ર એક જ ચારની જરૂર છે.
IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન
શિખર ધવન- 768
વિરાટ કોહલી- 705
ડેવિડ વોર્નર- 663
રોહિત શર્મા- 599
સુરેશ રૈના- 506