Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે NH 51માં 40 કિ.મીના અંતરમાં બે ટોલટેક્સ શરૂ કરતાં વિવાદ શરૂ થયો છે. આ બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર હીતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દ્વારકા થી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટીનો હાઈવે NH 51 છે જે ગીર સોમનાથ માંથી પસાર થાય છે તેમાં સોમનાથ જંક્શન થી કોડીનાર તરફે 10 કી મી ના અંતરે સુંદરપુરા ટોલટેક્સ આવેલ છે જ્યાં વાહન દીઠ એક તરફે યાત્રાના રૂપિયા 60 થી 1100 સુધી વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે અને સોમનાથ જંક્શન થી 51 કિલોમીટરના અંતરે ઉના તરફે વેળવા ગામ પાસે બીજું ટોલટેક્સ આવે છે જ્યાં એક તરફે યાત્રાના વાહન દીઠ 70 થી 445 વસૂલવામાં આવે છે આ બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર 40કિલોમીટર છે.
તેમજ, હાલ સોમનાથ થી ઉના તરફે અનેક જગ્યાએ આ રોડનું કામ અધૂરું હોય અને ઓવરબ્રિજ કાર્યરત ન હોય અને જે બ્રિજનું કામ શરૂ છે ત્યાં સર્વિસ રોડ પરથી નીચેથી વાહનો પસાર થતા હોય અને બ્રિજ ની ઉપર કામ શરૂ હોય તે ખૂબ જોખમી છે. તેમ છતાં છેલ્લા 4 માસથી આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ કેશોદ થી કે માંગરોળ તરફથી આવતા વાહનોને ડારી ટોલટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવી અને ૨૫ કિ.મી. ના અંતરે સુંદરપુરા ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એટલે હાલે વેરાવળથી ઉના યાત્રા દરમીયાન બે ટોલ ટેક્સ અને કેશોદ અથવા માંગરોળથી ઉના જવું હોય તો ડારી થી ડોળાસા સુધી માં ૬૫ કિલોમીટરના અંતરે ત્રણ ટોલટેક્સ ડારી,સુંદરપુરા, અને વેળવા એમ ત્રણ જગ્યાએ વાહન ચાલકોને પૈસા ચૂકવવા પડે છે.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા માર્ચ 2022માં સંસદમાં કહેવાયું હતું કે દેશ માં કોઈ પણ જ્ગ્યાએ બે ટોલ વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે અને બે ટોલ વચ્ચે 60 કિલોમીટર થી ઓછુ અંતર હશે તો તે ટોલ નાકું બંધ કરવામાં આવશે પણ આશરે છેલ્લા ચાર મહિના પહેલા શરૂ કરાયેલા ગીર સોમનાથના બે ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિ.મી. જેટલું હોય એ વાત નવાઈ પમાડે તેવી છે.
સમગ્ર મામલે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા રોડ ઉપર ક્યાં કામગીરી ચાલુ છે તે બાબતની વિગતો તેમજ વિશેષ આધાર પુરાવાઓ જોડી આ ટોલ ટેક્ષ કાયદેસર છે કે કેમ અને આ ટોલ ગેર કાયદે ઉઘરવાયો હોય તો વાહન ચાલકો પાસે થી ઉધરવાયેલ રકમ પરત કરવી જોઈએ તેવી માંગ કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી પી.આઈ.એલ દાખલ કરવામાં આવી છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર મામલે અગામી 28 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે ગીર સોમનાથમાં 2016 થી શરૂ થયેલો સોમનાથ ભાવનગર હાઈવે પ્રોજેક્ટ અનેકવાર રોડના કામ તથા કામની ગુણવતા બાબતે વાદ વિવાદોમાં આવેલો છે આ ટોલટેક્સ ગેરકાયદે હોય અને પ્રજાના ખિસ્સા પર ભારણ હોય બંધ કરવા બાબતે સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા કાયદાકીય મોરચો માંડતા ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિકો મા પણ નામદાર કોર્ટ દ્વારા રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે સમગ્ર મામલે નામદાર હાઇકોર્ટમાં અરજદાર તરફે એડવોકેટ નબીલ ઓ. બલોચ રોકાયેલા છે