Gondal News : આખાય ગુજરાતમાં અત્યારે ગોંડલનું રાજકારણ ચકડોળે ચડ્યું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં પહેલા રાજકુમાર જાટનું મૃત્યુ અને ત્યારબાદ પાટીદાર સગીર યુવકને માર મારવાની ઘટનામાં ઘમાસાણ મચ્યું છે. સગીરને માર મારવાના બનાવના પગલે પહેલાં ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારબાદ, જયેશ રાદડિયા અને ભરત બોઘરાની મધ્યસ્થતાના કારણે હાલ પુરતો મામલો થાળે પડ્યો છે.
ગોંડલમાં બાળકની જાતીય સતામણી કરવા મામલે એક તરૂણને જાહેરમાં મારકૂટ કરવામાં આવ્યાના વિવાદિત મુદ્દે ઘમાસાણ મચ્યું છે. સગીરને ધોકા વડે માર માર્યાના બનાવને લઈને પાટીદાર સમાજ દ્વારા આજે શનિવારે સવારથી બપોર સુધી એટલે કે અડધો દિવસ ગોંડલ શહેર બંધનું એલાન અપાયું હતું, પણ શુક્રવારે મોડી સાંજે એકાએક એ એલાન પરત ખેંચી લેવામાં આવ્યું હતું. શુક્રવારે ભાજપના નેતા બોઘરા-રાદડીયાએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ મામલે સતત પાટીદાર નેતાઓની નિવેદનબાજી શરૂ છે.
ક્યાંક ને ક્યાંક પાટીદાર નેતાઓના નિશાને ગોંડલના જયરાજસિંહ અને ગણેશ જાડેજા છે. આડકતરી રીતે તેઓ ગોંડલના નેતાઓને આડેહાથ લીધેલા છે. ત્યારે આજે અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં એક સુચક પોસ્ટ કરી છે.
તેઓએ લખ્યું છે કે, ”કોઈને પણ વાગે તો લોહીની ધાર જ નીકળે, દૂધના ફૂવારા ન નીકળે, જાણવા જોગ ગોંડલ…….”
ત્યારે, અલ્પેશ કથીરિયાએ આ સોશિયલ મીડિયા પોસ્ટમાં આડકતરી રીતે કોના પર પ્રહાર કર્યા તે હવે ચર્ચાનો વિષય બની છે.