Gondal News : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે. હકીકતમાં ફક્ત ગોંડલમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. બે દિવસ પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીએ ફાંકા ફોજદારી કરી હતી કે ગુંડાઓનું લિસ્ટ બનાવવામાં આવશે પરંતુ આ લિસ્ટ હજુ બનતું હશે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા. આ ગુંડાઓએ એક નિર્દોષને ખૂબ જ માર માર્યો. જ્યારે તે વ્યક્તિએ પોલીસ સ્ટેશન જઈ FIR લખવાની વાત કરી તો પોલીસે એફઆઇઆર પણ લખી નહીં. પરંતુ ત્યારબાદ વિડીયો વાયરલ થયો અને લોકોમાં આક્રોશ જાગ્યો ત્યારે પોલીસે ગુનો નોંધ્યો પરંતુ માર મારવાવાળા લોકોની પણ એફઆઇઆર લખી. તો હવે ગુંડાઓની વાત છોડો પરંતુ પોલીસથી કોણ બચાવશે?
અમરેલીની ઘટનામાં પણ પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, ગોંડલની ઘટનામાં પણ પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. વિંછીયામાં કોળી સમાજના યુવકની હત્યામાં પણ પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. તો હવે સવાલ એ થાય છે કે ભાજપના રાજમાં ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું? આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે. હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરે છે અને કહે છે કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનશે પરંતુ મારો સવાલ છે કે કયા ગુંડાઓનું લિસ્ટ બનશે? ઘણા ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલા ગુંડાઓ સાંસદ સભ્ય બન્યા છે. કેટલા ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ગયા છે. કેટલા ગુંડાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચૂંટાઈ ગયા છે. બીજા કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમમાં ગોઠવાઈ ગયા છે. બાકીના બાકી રહેલા ગુંડાઓ ભાજપમાં નાના-મોટા પદો પર ગોઠવાઈ ગયા છે. તો આ રીતે તમામ ગુંડાઓ સારી સારી જગ્યા પર બેસી ગયા છે તો પછી કઈ રીતે ગુંડાઓનું લિસ્ટ બનશે?
ગુજરાતમાં ચપ્પલ ચોરવાવાળા, સાયકલ ચોરવાવાળા અને ક્યાંક નાની મોટી જગ્યાએ દારૂ વેચવાવાળા લોકોના લિસ્ટ બની રહ્યા છે. જો ડીજીને ભાજપની બીક ના હોય તો હું 50 ગુંડાનું લિસ્ટ આપવા માટે તૈયાર છું. ફક્ત તેઓ મને ખાતરી આપે કે તેઓ પગલાં લેવા માટે તૈયાર છે. 50 ભાજપના ગુંડાઓનું લિસ્ટ તો ખાલી મારા ઉમરાળા તાલુકા હશે એ ગુંડાઓનું લીસ્ટ આપવા માટે હું તૈયાર છું. મોટાભાગે ભાજપના ગુંડાઓના વિરુદ્ધમાં એફઆઇઆર લખવામાં આવતી નથી. જો ક્યારેક કોઈ વિડીયો વાયરલ થાય તો જ પોલીસ FIR લખે છે. તેનો મતલબ એ થયો કે તમને કોઈ મારે કે છેડતી થાય બળાત્કાર થાય અને જો વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને એફઆઇઆર નહીં લખે. તો શું હવે માર ખાવાવાળા લોકો કેમેરામેન લઈને ફરે?
ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. હવે કોઈ લિસ્ટ બનાવવાથી કોઈ મેળ નહીં પડે. આ ગુંડાઓને રોકવા માટે આ લોકોને ઘર ભેગા કરો તો જ કોઈ સુધારો આવશે. તમે જોશો કે છાસવારે Gondal નું નામ આવે છે અને શું હર્ષ સંઘવીના બુલડોઝરમાં દમ નથી કે ગોંડલમાં જઈ શકે. જો હર્ષ સંઘવીના બુલડોઝરમાં દમ હોય તો તે ગોંડલમાં જાય. આ પહેલા પણ એક છોકરાની હત્યા થઈ હતી અને એક દલિત સમાજના દીકરાને માર્યો હતો. તો મારો સવાલ છે કે આવી ઘટનાઓ ગોંડલમાં જ કેમ ઘટે છે? હર્ષ સંઘવી ગુજરાતને મિર્ઝાપુર કે યુપી બિહાર બનાવવા માંગે છે? ભાજપના લોકોને શરમ આવવી જોઇએ કારણ કે ગુજરાતમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ પોતે રીલ બનાવીને વાહ વાહી લૂંટે છે. મારા શબ્દો ખરાબ હશે, મારી ભાષા ખરાબ હશે પરંતુ મારી લાગણી ખરાબ નથી, મારો આક્રોશ બરાબર છે. ગુજરાતના તમામ લોકોને હું વિનંતી કરીશ કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો.