Gondal News : ગોંડલમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે. એકબાજુ રાજકુમાર જાટ હત્યા કેસના પડઘા હજુ શાંત પડયા નથી રાજસ્થાનમાં ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યાં ગોંડલમાં વધુ એક ઘટના બનતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.
ગોંડલમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગર્દી થઇ રહી છે. ગોંડલમાં તરૂણને લુખ્ખા તત્વોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટનાનો મામલો સામે આવતા ચકચાર મચી ગયો છે. તરૂણને સગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોએ ઢોર માર મારતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તરૂણને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પટેલ વાડી ખાતે મળી મિટિંગ કરી રણનીતિ ઘડી છે.
પટેલ સમાજની મિટિંગમાં ભાજપ સહિતના દરેક પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજના લોકોએ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂક કરવાની માગ કરી છે. મિટીંગમાં આવારા તત્વોનેને ભોમાં ભંડારવાની માંગ ઉઠવા પાછળ અનેક સવાલો કારણભૂત બન્યા છે. ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી IPS એસપીની નિમણૂક થઈ ન હોવાથી જનતા પણ રામ ભરોસે હોય તેવા આરોપો લાગી રહ્યા છે.
શું હતી ઘટના
રાજકોટના ગોંડલમાં ફરી એકવાર મારામારીની ઘટના બની હતી. કોલેજ ચોકમાં ધોળા દિવસે યુવકને ઢોર માર મરાયો હતો. ત્રણ શખ્સોએ યુવકને ધોકા અને પાઇપ વડે માર્યો માર મારતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. યુવકની માતા વચ્ચે પડતા માતાને પણ ધક્કો મારવાની ઘટના બની હતી. યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે. યુવક ઉપર હુમલાને લઈને પાટીદાર સમાજમાં ભભૂકતો રોષ દેખાઈ રહ્યો છે.