IPL 2025 Mumbai Indians : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન 22 માર્ચથી કોલકાતામાં શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 25મી મેના રોજ રમાશે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
IPLની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝીએ તેની શરૂઆતની મેચ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. તેણે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કમાન સોંપી છે.
તમને જણાવી દઈએ કે મુંબઈએ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે તેની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ ચેન્નાઈમાં જ રમાશે, પંડ્યા આ મેચમાં ભાગ લેશે નહીં. કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે , હાર્દિક પંડ્યા પર આ પ્રતિબંધ છેલ્લી સિઝનમાં જ ધીમો ઓવર રેટના કારણે હતો. આ સિઝનમાં મુંબઈની ટીમની પ્રથમ મેચમાં આ પ્રતિબંધ અમલ કરવામાં આવ્યો છે. જો કે આગામી મેચથી પંડ્યા ફરી એકવાર ટીમની કમાન સંભાળશે.
પંડ્યાએ ખુદ સૂર્યાને કેપ્ટનશિપ સોંપવાની આ માહિતી આપી છે. તેણે 19 માર્ચે મુખ્ય કોચ મહેલા જયવર્દને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પંડ્યાએ કહ્યું, ‘સૂર્યા હાલમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં મારી ગેરહાજરીમાં તે તેના (કેપ્ટન્સી) માટે યોગ્ય ઉમેદવાર છે.
છેલ્લે 2023માં કેપ્ટન્સી સંભાળી હતી
છેલ્લી વખત સૂર્યાએ 2023ની સીઝનમાં મુંબઈ ટીમની કમાન સંભાળી હતી. ત્યારે રોહિત શર્મા કેપ્ટન હતો અને તેની ગેરહાજરીમાં સૂર્યાએ ચાર્જ સંભાળ્યો હતો. આ મેચ મુંબઈએ જીતી હતી, જેમાં સૂર્યાએ 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઓપનિંગ કરવા આવ્યો હતો અને 13 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો.